Western Times News

Gujarati News

AMCના પસંદગીના વોર્ડમાં જ થતા વિકાસલક્ષી કામો થાય છેઃ કોંગ્રેસનો આક્ષેપ

પ્રતિકાત્મક

ત્રણ મહિનાના ગાળામાં ૧૭૮ કરોડના કામો કરવામાં આવ્યા છે. જેમાં ૧૨૮ કરોડ માત્ર પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, બોપલ- ઘુમા વિસ્તારોમાં કરવામાં આવ્યો છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાકીદે જે કામો કરવાના થતા હોય તેના માટે મંજુરીની અપેક્ષાએ ડેપ્યુટી મ્યુનિ. કમિશનરની સત્તાથી કામ કરવામાં આવે છે જેને ચેપ્ટર રૂલ્સ-પ (બી) અથવા ૭૩ (ડી) કલમ પણ કહેવામાં આવે છે. આવા કામમાં કોર્પોરેશન દ્વારા અધિકારીઓને આપેલી સત્તાની મર્યાદામાં કામ થતાં હોય છે જેના માટે ટેન્ડર પ્રક્રિયા લગભગ કરવામાં આવતી નથી.

પરંતુ આ પ્રકારના કામોમાં પણ ક્યાંક વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવતી હોય કે આવા કામો ખોટી રીતે કરવામાં આવતા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.

વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં પ્રાથમિક સુવિધાના કામો બાબતે જે કોઇ તાત્કાલિક કરાવવા જરૂરી હોય તેવા કામોની અગત્યતા તેમજ પ્રાયોરીટી આપવા માટે જી.પી.એમ.સી. એક્ટની કલમ ૭૩ (ડી) હેઠળ

દરેક ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો શોર્ટ ટેન્ડર નોટીસ, કવોટેશન તથા ઓફરથી વિવિધ કામો મંજૂર કરવાની સત્તા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આપવામાં આવી છે, પરંતુ તંત્રના અધિકારીઓ દ્વારા તેનો દુરુપયોગ થઇ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી રહી છે કે, માત્ર એક જ ઝોન પાછળ આટલા રૂપિયા ખર્ચવામાં આવે નહિ. દરેક પ્રજાને એક સરખી સમજી અને દરેક ઝોનમાં કામગીરી કરવામાં આવે.

જુલાઈ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ૧૭૮ કરોડના કામો કરવામાં આવ્યા છે. જેમાં ૧૨૮ કરોડ માત્ર પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ગોતા, બોપલ- ઘુમા વિસ્તારમાં કરવામાં આવ્યો છે. બીજા વોર્ડ-વિસ્તારોમાં ખર્ચ ઓછો કરાયો છે.

આ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧.૩૭ લાખથી વધુ ફરિયાદો મળી હતી. જેમાં સૌથી વધારે ૨૬,૩૭૯ જેટલી ફરિયાદો ઉત્તર ઝોનમાંથી મળી હતી. જે ઉત્તર ઝોનમાં માત્ર ૬૪ લાખના જ કામોને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રૂ. ૧૭૮ કરોડના કામોમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે એટલે કે ૧૨૭.૯૯ કરોડના કામો મંજૂર કર્યા છે.

મધ્ય ઝોનમાં ૪.૮૮ કરોડ, પશ્ચિમ ઝોનમાં ૨૨.૫૪ કરોડ, દક્ષિણ ઝોનમાં ૮.૦૭ કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧.૦૯ કરોડ અને ઉત્તર ઝોનમાં ૬૪ લાખના જ કામો મંજૂર કરાયા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, તંત્રના અધિકારીઓ દ્વારા વહાલાં-દવલાંની નીતી અપનાવી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી રહ્યાં છે. માત્ર પશ્ચિમ વિસ્તારમાં જ કરોડો રૂપિયાની ફાળવણી કરી દેવામાં આવે છે,

પરંતુ ઉત્તર, પૂર્વ અને મધ્ય ઝોન જ્યાં સૌથી વધારે ફરિયાદો અને લોકો અને પ્રાથમિક સુવિધાઓમાં હેરાનગતિ છે ત્યાં કામગીરી થતી નથી. જુલાઈ ૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના ત્રણ મહિના દરમિયાન વિવિધ ઓનલાઇન માધ્યમોથી ૧.૩૭ લાખ જેટલી ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી હતી. જેમાં સૌથી વધુ ફરિયાદ ઉત્તર ઝોનમાં ૨૬,૩૭૯ મળી છે છતાં પણ ત્યાં માત્ર ૬૪ લાખના કામો ૭૩ડ્ઢ મુજબ મંજૂર કરાયા છે.

જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૧૦,૬૨૬ જેટલી ફરિયાદો મળી છે છતાં પણ ત્યાં સૌથી વધારે ૧૨૮ કરોડના કામોને મંજૂરી આપવામાં આવતા સવાલો ઊભા થયા છે. સૌથી ફરિયાદો ધરાવતાં ઝોનમાં ૭૩ (ડી) હેઠળ ઓછી રકમના કામો મંજૂર કરવામાં આવે છે અને ઓછી ફરિયાદો ધરાવે છે ત્યાં વધારે રકમના કામો મંજૂર કરાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.