અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 104 મીટરની ઉંચાઈ ધરાવતી હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદશે
દેશમાં આટલી ઉંચાઈનું હાઈડ્રોલીક પ્લેટફોર્મ ખરીદનાર અમદાવાદ પ્રથમ શહેર બનશે: દેવાંગ દાણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં હાઈરાઈઝ બિલ્ડીંગ ખૂબ જ મોટી સંખ્યામાં બની રહયા છે પરંતુ આવા બિલ્ડીંગોમાં આગ કે અન્ય કોઈ દુર્ઘટના સમયે નાગરિકોનો જીવ બચાવી શકાય તે માટે તંત્ર પાસે કોઈ સુવિધા નથી જેના કારણે ભુતકાળમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.
આ બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિ. શાસક પક્ષે તાત્કાલિક સ્નોરસ્કેલ ખરીદ કરવા નિર્ણય કર્યો છે. દેશમાં ૧૦૪ મીટર ઉંચાઈ ધરાવતી આ પ્રકારની સીડી ખરીદનાર અમદાવાદ પ્રથમ શહેર બનશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાંની ભૌગોલિક પરિસ્થિતિમાં ઘણા નવા વિસ્તારનો ઉમેરો થવાના કારણે ફેરફાર થયા છે અને પહેલા કરતા અ.મ્યુ.કો.ની હદ વિસ્તાર ઘણા બહોળા પ્રમાણમાં પથરાયેલ છે સાથે-સાથે જમીન વિસ્તાર વધવાની સાથે અમદાવાદમાં ૭૦ મીટરની ઉંચાઈ થી વધીને ૧૦૦ મીટર કરતા પણ વધારે ઉંચાઈની ઈમારતો બની રહી છે
જેમાં કોમર્શીયલ, રેસિડેન્શીયલ તેમજ કોમર્શીયલ કમ રેસીડેન્શીયલ ઈમારતોનો સમાવેશ પણ થાય છે.તમામ પ્રકારની હાઈરાઈઝ બિલ્ડીંગમાં ઈનસાઈડ ફાયર ફાયટીંગ સીસ્ટમ લગાવવામાં આવેલ હોય છે અને જરૂરીયાત જણાય આવતા ફાયર સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં ફસાયેલ વ્યકિતઓના બચાવ કાર્ય માટે કામગીરી કરતા જ હોય છે
પરંતુ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ઉંચાઈ ઉપર ફસાયેલ વ્યકિત સુધી પહોંચવા તેમજ સમયસુચકતા સાથે તેની બચાવ કામગીરી તેમજ બિલ્ડીંગની આઉટસાઇડથી ફાયર ફાયટીંગ કામગીરી કરવા માટે આશરે ૧૦૪ મીટર ઉચાઈની સ્નોરેકલ (હાઈડ્રોલીક પ્લેટફોર્મ) જેવા અતિઆધુનિક વ્હીકલ હાલ ૦૧ નંગ કુલ અંદાજી રૂ. ૪૪૯૫.૨૯ લાખનાં ખર્ચથી ખરીદી કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
જેનાથી આવનાર દિવસોમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર બિગ્રેડ વિભાગની કામગીરીમાં વધુ અસરકારકતા લાવી શકાશે.વધુમાં ભારત દેશ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે આ પ્રકારનું ૧૦૪ મીટર ઉચાઇ ધરાવતુ હાઇડ્રોલીક પ્લેટફોર્મ પ્રથમવાર ખરીદ કરવામાં આવનાર છે.
અમદાવાદ શહેરમાં હાલ ૧૦૦ મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતા ર૩ હાઈરાઈઝ બિલ્ડીંગ છે જેમાં ઉ.પ. ઝોનમાં ર૧ અને દ.પ.ઝોનમાં – ર બિલ્ડીંગનો સમાવેશ થાય છે. ર૩ હાઈરાઈઝ બિલ્ડીંગ પૈકી ૧૩ રેસીડેન્સ, ૬ કોમર્શિયલ અને ૪ રેસીડેન્સીયલ કમ કોમર્શિયલ બિલ્ડીંગ છે.