ચમનપુરામાં પત્નીના પ્રેમીએ પતિની હત્યા કરતા ચકચાર
અમદાવાદ, શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યારે મોડી રાતે અસારવા નજીક આવેલા ચમનપુરા ખાતે એક યુવકની હત્યા થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવકની હત્યા કરનાર તેની પત્નીનો પ્રેમી હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
તારી પત્નીને છૂટાછેડા આપી દે અને આ તારો છોકરી નથી પરંતુ મારો છે તેમ કહીને યુવકના ગળામાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. યુવકની હત્યા કરનાર પ્રેમી અને તેના સાગરિતો ચાઈના ગેંગના હોવાનો સ્થાનિકોએ આરોપ મૂકયો છે. ચાઈના ગેંગના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ છે ત્યારે તેમના વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ છે.
ચમનપુરા વિસ્તારમાં આવેલી તાળાવાળી ચાલી પાસે ગઈકાલે મોડી રાતે વિશાલ કિશન પટણી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. કિશનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કિશન પટણી નોકરી કરીને ગુજરાન ચલાવે છે અને તેના લગ્ન પાલનપુરમાં રહેતી મીના (નામ બદલ્યું છે) સાથે થયા હતા. વિશાલ અને મીનાને સંતાનમાં એક દિકરો છે.
થોડા સમય પહેલાં વિશાલને ખબર પડી હતી કે મીનાને ડુબી પટણી નામના યુવક સાથે અનૈતિક સંબંધ છે. ડેબુના મામલે વિશાલ અને મીના વચ્ચે અવાર-નવાર બબાલ થતી હતી અને મામલો એટલી હદ સુધી પહોંચ્યો કે ગઈકાલે ડેબુએ વિશાલની હત્યા કરી નાંખી હતી. ગઈકાલે તાળાંવાળી ચાલી પાસે વિશાલ ઊભો હતો ત્યારે ડેબુ તેના સાગરિત કમલેશ, સમીર સહિતના લોકોને લઈ આવ્યો હતો. ડેબુએ આવતાની સાથે જ વિશાલને કહ્યું હતું કે, તું તારી પત્નીને છૂટાછેડા આપી દે.
આ તારો છોકરી નથી પરંતુ મારો છે. વિશાલ અને ડેબુ વચ્ચે બબાલ થઈ હતી અને જોતજોતામાં મામલો એટલો ગંભીર બન્યો કે વાત હુમલા સુધી આવી ગઈ. ડેબુએ વિશાલના ગળા તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા.
ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં વિશાલને છરીના ઘા ઝીંકતાં માહોલ તંગ બન્યો હતો. ડેબુ સહિતના લોકો નાસી ગયા હતા. જ્યારે વિશાલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિશાલને હોસ્પિટલ લઈ ગયા ત્યારે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિશાલને મૃત જાહેર કરતાં લોકોમાં ગુસ્સો વધુ ભભૂકી ઉઠયો હતો.
વિશાલની હત્યાની જાણ થતાં શાહીબાગ પોલીસે ડેબુ, સમીર, કમલેશ સહિતના લોકો વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વહેલી સવારે પોલીસ તેમજ એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિશાલ અને મીના શાંતિથી જીવી રહ્યા હતા ત્યારે ડેબુએ વિલન તરીકે એન્ટ્રી મારી હતી જેના કારણે બન્નેના લગ્નજીવનમાં તિરાડ પડી ગઈ હતી. ડેબુએ મીનાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી
જેના કારણે તેને વિશાલ સાથે રોજેરોજ બબાલ થતી હતી. વિશાલ સાથે રહેવું નહીં હોવાથી મીનાએ તેના વિરૂદ્ધ પાલનપુર પોલીસ સ્ટેશનમાં ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો. વિશાલ સહિતના લોકો પાલનપુરમાં જવાબ લખાવીને અમદાવાદ આવ્યા હતા ત્યારે હત્યાકાંડ સર્જાયો છે. વિશાલ ઊભો હતો ત્યારે ડેબુ આવ્યો અને છૂટાછેડા આપી દેવાની માંગ કરી હતી.