અમેરિકાને “WHO” છોડવા ટ્રમ્પનો આદેશ
યુએસ રાષ્ટ્રપતિનો કાર્યકાળના પ્રથમ દિવસે જ મોટો નિર્ણય
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠન માંથી અમેરિકાને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. નવા ચૂંટાયેલા યુએસ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ દસ્તાવેજને મંજૂરી આપતા કહ્યું, તેમણે પદ સંભાળ્યાના પહેલા દિવસે જ જે ડઝનબંધ કારોબારી કાર્યવાહી પર હસ્તાક્ષર કર્યા હતા તેમાંની આ એક હતી.
આ બીજી વખત છે જ્યારે ટ્રમ્પે અમેરિકાને હૂમાંથી બહાર નીકળવાનો આદેશ આપ્યો છે.ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય સંસ્થાની કોવિડ-૧૯ને જે રીતે હેન્ડલ કર્યું તે મામલે આકરી ટીકા કરીને રોગચાળા દરમિયાન જીનીવા સ્થિત સંસ્થામાંથી ખસી જવાની પ્રક્રિયા શરૂ કરી હતી, જે નિર્ણયને રાષ્ટ્રપતિ જો બિડેને પાછળથી તેને રદબાતલ કર્યાે હતો.
ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકાળના પહેલા દિવસે જ આ એક્ઝિક્યુટિવ કાર્યવાહી કરી છે. આ નિર્ણયથી અમેરિકા ઔપચારિક રીતે હૂને છોડી દેશે તેવી શક્યતા વધુ પ્રબળ બની છે. ટ્રમ્પે જણાવ્યું કે “તેઓ અમને ખૂબ જ ખરાબ રીતે પાછા ઇચ્છતા હતા, તેથી આપણે જોઈશું કે શું થાય છે,” ટ્રમ્પે ઓવલ ઓફિસમાં હૂનો ઉલ્લેખ કરીને કદાચ એવો સંકેત આપ્યો કે અમેરિકા અંતતઃ પરત ફરી શકે છે.
ટ્રમ્પે જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા “ચીનના વુહાનથી ઉદ્ભવતા કોવિડ-૧૯ રોગચાળા અને અન્ય વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટીઓ સામે સંગઠનના ખોટા સંચાલન, તાત્કાલિક જરૂરી સુધારાઓ અપનાવવામાં નિષ્ફળતા અને હૂ સભ્ય દ્વારા અયોગ્ય રાજકીય પ્રભાવથી સ્વતંત્રતા દર્શાવવામાં નિષ્ફળતાની ટીકા કરી રહ્યું છે. હૂની બિનકાર્યક્ષમતાને કારણે” અમેરિકા તેમાંથી હટી રહ્યું છે.