કચ્છના ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામીનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ
Ø ચાંદ્રાણી ગુરૂકુળ વૈદિક સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવનમૂલ્યોના ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે*
Ø વૈદિક ગુરૂકુળોએ દેશની મહત્વની સંપદા છે*
Ø વૈદિક ગુરૂકુળમાંથી ભારતીય જીવનમૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર થશે
ભૂજ 22-01-2025, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ખાતે બુધવારે શ્રી સ્વામિનારાયણ મંદિર, ભુજ સંસ્થાપિત તેમજ રાપર મંદિર સંચાલિત શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ અને ખાતમૂહુર્તની વિધિ યોજાઈ હતી.
વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સંતોએ અથાગ તપસ્યા કરીને માનવ કલ્યાણ અને સમાજ ઉદ્ધારના કાર્યો કર્યા છે. અન્ય ગુરૂકુળોથી આ વૈદિક ગુરૂકુળને વિશિષ્ટ ગણાવીને રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ વૈદિક ગુરૂકુળમાંથી ભારતીય જીવનમૂલ્યો ધરાવતા સંસ્કારવાન વિદ્યાર્થીઓ તૈયાર થશે અને સમાજને પ્રેરણા આપશે.
રાજ્યપાલશ્રીએ સંસ્કૃતિને ટકાવી રાખવા ઉપર ભાર મૂકીને ઉમેર્યું હતું કે, આ ગુરૂકુળ વૈદિક સંસ્કૃતિ, સિદ્ધાંતો અને જીવનમૂલ્યોના ઘડતરનું મહત્વનું કેન્દ્ર બની રહેશે. સંસ્કૃતિના મુખ્ય આધાર જ વેદો છે અને તેના લીધે જ વેદોનું શિક્ષણ જરૂરી છે. વૈદિક ગુરૂકુળોને દેશની મહત્વની સંપદા ગણાવીને ચાંદ્રાણી વૈદિક ગુરૂકુળ શ્રેષ્ઠ નાગરિકોના નિર્માણમાં ઉપયોગી બનશે એવો રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપકશ્રી સહજાનંદજી સ્વામીના સદવિચાર અને સદવિદ્યાના પ્રચાર પ્રસાર માટે વૈદિક ગુરૂકુળ પ્રતીક બનશે એમ રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું.
પ્રાસંગિક પ્રવચન કરતાં ભુજ મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી શ્રી ધર્મનંદનદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાનની કૃપા અને સંતોની મહેનતથી કચ્છના ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળના નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે. મહંત સ્વામીએ ઉમેર્યું હતું કે, આ વૈદિક ગુરૂકુળમાં તૈયાર થનારા વિદ્યાર્થીઓ સંસ્કૃતિની જાળવણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ વૈદિક ગુરૂકુળ પરિસરનું ઉત્તમ રીતે નિર્માણ થાય અને તેનો વહીવટ સુચારુ રીતે ચાલે તે માટે સૌ સંતોના માર્ગદર્શનમાં હરિભક્તોને સહયોગ આપવા મહંત સ્વામીએ અનુરોધ કર્યો હતો. દેશ દુનિયામાં તમામ નાગરિકો સુખી તેમજ સ્વસ્થ રહે એવા આર્શીવાદ મહંત સદગુરુ પુરાણી સ્વામીશ્રી ધર્મનંદનદાસજીએ આપ્યા હતા.
ચાંદ્રાણી ખાતે પધારેલા ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રીનું ગાર્ડ ઓફ ઑનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈદિક ગુરૂકુળના શિલાન્યાસ કાર્યક્રમના અંતે આભારવિધિ રાપર ગુરૂકુળના સ્વામી શ્રી વિજ્ઞાનસ્વરૂપદાસજીએ કરી હતી.
આ પ્રસંગે અંજારના ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, સરહદ ડેરીના ચેરમેનશ્રી વલમજીભાઈ હુંબલ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ચાંદ્રાણીના સરપંચશ્રી ગોવિંદભાઈ હુંબલ, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી,
ભુજ પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી, સદગુરુ કોઠારી પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સદગુરુ સ્વામીશ્રી ભગવદ્જીવનદાસજી, સદગુરુ સ્વામીશ્રી મુકુંદજીવનદાસજી, સદગુરુ પુરાણી સ્વામીશ્રી હરિબળદાસજી સહિત સ્વામીનારાયણની વિવિધ સંસ્થાઓ અને મંદિરોના મહંતશ્રીઓ, હરિભક્તો, દાતાશ્રીઓ અને ગ્રામજનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.