સિનિયર નેશનલ ટીટીમાં ગુજરાતની વિમેન્સ ટીમ બ્રોન્ઝથી સંતુષ્ટ
સેમિફાઇનલમાં પીએસપીબીની ટીમ સામે ગુજરાતનો 0-3થી પરાજય
સુરત, 22 જાન્યુઆરીઃ યુટીટી 86મી સિનિયર નેશનલ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2024માં બુધવારે અહીંના પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં ગુજરાતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો કેમ કે સેમિફાઇનલમાં પીએસપીબીની ટીમ સામે તેનો 0-3થી પરાજય થયો હતો.
આ પ્રતિષ્ઠિત ચેમ્પિનશિપ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત (ટીટીએએસડી)ના સંયુક્ત ઉપક્રમે તથા ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીટીએફઆઈ)ના નેજા હેઠળ થઈ રહ્યું છે. જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એસએઆઈ) અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (એસએજી) તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (એસએમસી)નો સહકાર સાંપડેલો છે.
આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી) છે અને હીરો તેના સ્પોન્સર છે અને કો-સ્પોન્સર એનજે ગ્રૂપ છે તો એસોસિયેટ્સ સ્પોન્સરમાં ગુજરાત ટુરિઝમ, ઓએનજીસી, પ્રતિભા ગ્રૂપ અને એરપર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સામેલ છે, સ્ટિગા ઇક્વિપમેન્ટ સ્પોન્સર રહેશે જ્યારે SIDS હોસ્પિટલ મેડીકલ પાર્ટનર રહેશે.
વિમેન્સ સેમિફાઇનલ મુકાબલામાં પીએસપીબીની ટીમે ગુજરાત પર વર્ચસ્વ જમાવી દીધું હતું કેમ કે ક્રિત્વિકા સિંહા રોય, ફ્રેનાઝ અને ઓઇશિકીએ તેમની તમામ મેચ ગુમાવી હતી. પીએસપીબી માટે યશસ્વિની ઘોરપાડે, રિથ રિશ્યા અને સયાલી વાણીએ વિજય હાંસલ કર્યા હતા.
પરિણામ :
વિમેન્સ સેમિફાઇનલઃ ગુજરાત હાર્યા વિરુદ્ધ પીએસબીપી 0-3 (ઓઇશિકી જોરદાર હાર્યા વિરુદ્ધ યશસ્વિની ઘોરપાડે 5-11, 7-11, 8-11, ક્રિત્વિકા સિંહા રોય હાર્યા વિરુદ્ધ રિથ રિશ્યા 10-12, 5-11, 9-11,
ફ્રેનાઝ ચિપીયા હાર્યા વિરુદ્ધ સયાલી વાણી 8-11, 8-11, 13-11, 5-11).