પોર્નોગ્રાફી સહિતની તપાસમાં આધેડ ડિજિટલ એરેસ્ટ:૧૫.૨૦ લાખ પડાવ્યા
        નાસિક આવવાની ધમકી આપીને એકાઉન્ટમાંથી નાણાં સાફ કરી નાખ્યા
ગઠિયાઓએ ૧૫.૨૦ લાખ પડાવીને ત્રણ દિવસમાં તપાસ કર્યાં બાદ પરત આપવાનું કહીને છેતરપિંડી આચરતા સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે
અમદાવાદ,શહેરમાં રહેતા આધેડ સાથે ડિજિટલ એરેસ્ટના નામે સાયબર ગઠિયાઓએ ૧૫.૨૦ લાખ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગઠિયાઓએ એક આરોપીને પકડ્યા બાદ આધેડનું નામ તપાસમાં ખુલ્યું હોવાનું કહીને ડરાવ્યા હતા. ચાઇલ્ડ પોર્નાેગ્રાફી સહિત અનેક ગેરકાયદે એક્ટિવિટીની તપાસ માટે નાસિક આવવાનું કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓએ ૧૫.૨૦ લાખ પડાવીને ત્રણ દિવસમાં તપાસ કર્યાં બાદ પરત આપવાનું કહીને છેતરપિંડી આચરતા સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે. સોલામાં રહેતા ૫૭ વર્ષીય આધેડ એકાઉન્ટનું કામ કરે છે. ગત તા. ૨૨ જાન્યુઆરીએ એક શખ્સે ફોન કરીને ટ્રાઇ ડિપાર્ટમેન્ટમાંથી રાજેશ ચૌધરી બોલતો હોવાનું કહીને ફોન નંબરની પૂછપરછ કરી હતી.
બાદમાં આ નંબરથી ચાઇલ્ડ પોર્નાેગ્રાફી સહિત અન્ય ગેરકાયદે એક્ટિવિટીની ફરિયાદ મળી હોવાનું કહીને આધેડ સામે નાસિક પોલીસમાં કાર્યવાહી કરવાનું કહીને કંટ્રોલરૂમમાં વાત કરાવી હતી. બાદમાં ઇન્સ્પેક્ટર સંજય વીડિયો કોન્ફરન્સ મારફતે પૂછપરછ કરશે તેમ કહીને ઇન્સ્પેક્ટરનું આઇડી કાર્ડ મોકલ્યું હતું. જ્યારે આધેડને વોટ્સએપ વીડિયો કોલ આવ્યો ત્યારે સામે પોલીસની વર્દીમાં એક શખ્સ બેઠો હતો. આ શખ્સે આધેડના ઘરનું નિરીક્ષણ કરીને રૂમ બંધ કરીને બેસવા કહ્યું હતું. આ બાબતે કોઇને વાત નહીં કરવાનું કહીને આધારકાર્ડ અને ચેકબુક બતાવવા આધેડને કહ્યું હતું. ગઠિયાઓએ તમામ ડોક્યુમેન્ટ પરિવારની અને ધંધાકીય માહિતી બેંક બેલેન્સની માહિતી પણ મેળવી લીધી હતી.
બાદમાં આધેડને તમારી સામે ગંભીર ગુનો દાખલ થયો હોવાથી બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન વેરિફાય કરવા નરેશ ગોયલને પકડ્યો હતો અને તેની પૂછપરછમાં તમે શકમંદ હોવાનું કહીને ડર બતાવ્યો હતો. બાદમાં ધરપકડ કરવા અને પ્રોપર્ટી સીઝ કરવાની ધમકી આપીને નાણાં ટ્રાન્સફર કરવા કહ્યું હતું. આ નાણાંની તપાસ કરીને પરત આપી દઇશું તેવો ભરોસો આપીને ગઠિયાઓએ રૂ. ૧૫.૨૦ લાખ પડાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઇમે ગુનો નોંધ્યો છે.ss1
