શાહિદ કપૂર નથી ઇચ્છતો કે તેના બાળકો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવે
શાહિદ ઇચ્છે છે કે તેનાં બાળકો હંમેશા પોતાની જાતે સાચું કામ જ કરે
ટૂંક સમયમાં શાહીદની ફિલ્મ ‘દેવા’ આવી રહી છે, જેમાં શાહિદ એક બળવાખોર પોલિસ ઓફિસરનો રોલ કરે છે
મુંબઈ,
શાહિદ કપુર ભલે તેના પિતાના પગલે ફિલ્મની દુનિયામાં આવ્યો પરંતુ તેને અન્ય સ્ટાર કિડ્ઝ જેવી તકો ઓછી મળી છે. તેનો નાનો ભાઈ અને પરિવારના મોટાભાગના લોકો ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલાં છે. પરંતુ એ નથી ઇચ્છતો કે તેના બાળકો આ ફિલ્મીદુનિયામાં પ્રવેશે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શાહિદે જણાવ્યું કે કેમ તે આવું ઇચ્છે છે. શાહિદ અને તેની પત્ની મીરાં રાજપૂતનાં બે બાળકો છે- દિકરો ઝૈન અને દિકરી મિશા.શાહિદે જણાવ્યું,“ઘણી બાબતો છે, જે એ લોકો મારામાંથી મેળવે એવું હું નથી ઇચ્છતો. હું ઇચ્છું છું કે તેમને વારસામાં આત્મવિશ્વાસ મળે, મને લાગે છે કે એ તો બંનેમાં છે. મારામાં એટલો આત્મવિશ્વાસ નહોતો.
ખરેખર તો હું નથી ઇચ્છતો કે એ મારું કામ કરે, ફિલ્મોમાં ન આવતા યાર. બીજું કશુંક કરો, બહુ ભાગ-દોડ કરવી પડે છે. ઘણો સંઘર્ષ છે.જો એમને કરવું હોય તો, એ એમની પસંદ છે, પણ હું તો કહીશ કે કંઈક સહેલું કરો, આ બહુ અઘરું છે.”આ ઇન્ટરવ્યુમાં શાહિદે તે પોતાના બાળકોને શું શીખવવા માગે છે, એ અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું,“હંમેશા એ જ કરો જે સાચું છે, હું પણ હંમેશા સાચું જ કરવાની કોશિશ કરું છું, પછી મને ગમે કે નહીં, કે પછી બીજા કોઈને ન ગમે. મને તેનાથી નુકસાન થાય તો પણ કોઈ ફેર પડતો નથી, હું હંમેશા સાચું જ કરીશ.”ટૂંક સમયમાં શાહીદની ‘દેવા’ આવી રહી છે. જેમાં શાહિદ એક બળવાખોર પોલિસ ઓફિસરનો રોલ કરે છે. તેમાં તેની સાથે પૂજા હગડે લીડ રોલમાં હશે, જે એક પત્રકારનાં રોલમાં હશે. આ ફિલ્મ ૩૧ જાન્યુઆરીએ રિલીઝ થશે. ss1