Western Times News

Gujarati News

કર્મા ફાઉન્ડેશન ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપ હેઠળ આગામી 5 વર્ષમાં 500 કન્યાના શિક્ષણને સહાય કરવા પ્રતિબદ્ધ

નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે : એનકે પ્રોટીન્સની CSR શાખા કર્મા ફાઉન્ડેશન શ્રી નિલેશ કે. પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપ હેઠળ આગામી 5 વર્ષમાં 500 કન્યાના શિક્ષણને સહાય કરવા પ્રતિબદ્ધ

અમદાવાદ, જાન્યુઆરી 26 : તિરૂપતિ બ્રાન્ડનાં ખાદ્ય તેલની માલિક એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડે તેની સીએસઆર શાખા કર્મા ફાઉન્ડેશન થકી આગામી પાંચ વર્ષમાં 500 કન્યાઓના શિક્ષણને સહાય કરવાની તેની પ્રતિબદ્ધતાની જાહેરાત કરી છે. આ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે 24 જાન્યુઆરીએ ઉજવવામાં આવતા રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ પહેલા કરવામાં આવી છે અને આ વર્ષની થીમ, “ઉજ્જવળ ભવિષ્ય માટે કન્યાઓનું સશક્તિકરણ” સાથે સુસંગત છે.

 National Girl Child Day: NK Proteins’ CSR arm Karma Foundation commits to support education of 500 girls over next 5 years under Shri Nilesh K. Patel Girl Child Scholarship.

વંચિત કન્યાઓ માટે શિક્ષણ સુનિશ્ચિત કરવું એ કર્મા ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેણે 2021 માં શ્રી નિલેશ કે. પટેલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપની રચના કરી હતી. વ્યક્તિગત દાતાઓનાં સમર્થન થકી અત્યાર સુધી ગુજરાતનાં વિવિધ વિસ્તારોની 470 કન્યાઓને ફાઉન્ડેશન તરફથી સ્કોલરશિપ મળી છે. નોંધનીય છે કે આ પૈકી ઘણા દાતાઓએ સ્કોલરશિપ માટે પસંદ કરાયેલી કેટલીક કન્યાઓને આજીવન શૈક્ષણિક સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

કર્મા ફાઉન્ડેશનનાં ફાઉન્ડર અને મેનેજીંગ ટ્રસ્ટી પ્રિયાંશી પટેલે કહ્યું કે, “શિક્ષણ એ આપણે આવનારી પેઢીને આપી શકીએ તેવી શ્રેષ્ઠ ભેટ છે. અમે એવા ભવિષ્યનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જ્યાં દરેક કન્યાને શિક્ષણ, તકો અને તેના સપનાઓને સાકાર કરવાની સ્વતંત્રતા મળે.

આ પહેલ અમારા હ્રદયની ખૂબ જ નિકટ છે. મારા પિતા, શ્રી નિલેશ પટેલ, કન્યાઓને શિક્ષિત કરવાના મહત્વમાં દૃઢપણે માનતા હતા અને તેમના વિઝનને સન્માન આપવા શરૂ કરાયેલી પહેલ શક્ય તેટલી વધુ કન્યાઓને ટેકો આપવાના મિશનમાં પરિણમી છે. આગામી પાંચ વર્ષમાં 500 છોકરીઓના શિક્ષણને ટેકો આપીને, અમે તેમના જીવનમાં આશા અને મહત્વાકાંક્ષાની ચિનગારી પ્રગટાવવાની આશા રાખીએ છીએ.”

એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક સ્વર્ગસ્થ શ્રી નિલેશ કે. પટેલની સ્મૃતિમાં સ્થાપિત એવી આ સ્કોલરશિપ યોજના – ધોરણ 1 થી 10 સુધીની કન્યાઓ માટે છે, જે કન્યાઓ માટે શિક્ષણની પરિવર્તનશીલ શક્તિમાં તેમના અતૂટ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. સ્કોલરશિપ માટેની પસંદગી પ્રક્રિયામાં ઘણા પગલાં સામેલ છે, જે સંભવિત પ્રાપ્તકર્તાઓની ઓળખ માટે સર્વે ફોર્મથી શરૂ થાય છે.

જરૂરી ડોક્યુમેન્ટ્સની સમીક્ષા કર્યા પછી સ્વયંસેવકો કન્યાઓના ઘરની મુલાકાત લે છે તેમજ તેમને તથા તેમના માતાપિતાને મળે છે, તેમના બેકગ્રાઉન્ડ વિશે જરૂરી માહિતી મેળવે છે અને તેમના પરિવારો સાથે જોડાય છે. લાયક વિદ્યાર્થીઓને દરેકને રૂ. 15,000 ની નાણાકીય સહાય મળે છે.

ફાઉન્ડેશન આ સ્કોલરશિપ યોજના ઉપરાંત તેની ‘પ્રયાસ’ પહેલ હેઠળ શેરી બાળકો માટે શાળાઓ ચલાવે છે. આ પહેલથી અમદાવાદમાં સેંકડો શેરી બાળકોને મૂળભૂત શિક્ષણ મેળવીને લાભ થયો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.