કંપનીએ નાણાં નહીં ચૂકવતા અને વ્યાજખોરો કડક ઉઘરાણી કરતા રેલવે કોન્ટ્રાક્ટરની આત્મહત્યા
કોન્ટ્રાક્ટરે વિરોચનનગરમાં રેલવે સ્ટેશનનું બિલ્ડીંગ બનાવ્યું હતું જે પેટે ૬ર.૪પ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા
અમદાવાદ, શહેરના વાસણા વિસ્તારમાં કોન્ટ્રાક્ટર-કમ-ઈન્ફ્રાસ્ટ્રકચરે કંપની અને વ્યાજખોરના કારણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાના ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કંપની પાસેથી ૬ર.૪પ લાખ લેવાના નીકળતા હતા પરંતુ તે નહીં મળતા કોન્ટ્રાક્ટરે અંગ્રેજીમાં સ્યુસાઈડ નોટ લખીને જીવન ટૂંકાવ્યું છે.
વાસણા વિસ્તારમાં આવેલી ભાલેશ્વર સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ મકવાણાએ વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં કિશોર, શ્યામલાલ મિત્તલ, હિમાંશુ મિત્તલ અને ધવલસિંહ જાદવ વિરૂદ્ધ વ્યાજખોરી, આત્મહત્યાની દુષ્પ્રેરણા તેમજ એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ કરી છે. જિજ્ઞેશ માતા-પિતા, પત્ની બાળકો તેમજ ભાઈ સાથે રહે છે અને શક્તિ એન્ટરપ્રાઈઝ નામથી સિવિલ કોન્ટ્રાકટના કામ કરીને ગુજરાન ચલાવે છે.
જિજ્ઞેશ જ્યાં પણ કોન્ટ્રાક્ટ રાખે ત્યાં તે સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. જિજ્ઞેશના પિતા જીતુભાઈ છેલ્લા ૩પ વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. જીતુભાઈએ વર્ષ ર૦રરમાં શક્તિ એન્ટરપ્રાઈઝ નામની કંપની ખોલી હતી અને વિવિધ જગ્યાના કોન્ટ્રાક્ટ લેવા લાગ્યા હતા.
જીતુભાઈને ઓગસ્ટ ર૦રરમાં જાણવા મળ્યું હતું કે, સાણંદ તાલુકાના વિરોચનનગર ખાતે અપૂર્વા કીર્તિ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના પ્રોજેકટ મેનેજર કિશોર પપ્પુ પાલડી ખાતે આવેલી એક હોટલમાં રહે છે. કંપની સાથે કામ કરવાની ઈચ્છા હોવાથી જીતુભાઈ અને જિજ્ઞેશ કિશોર પપ્પુને ફોન કરીને મળવા માટે હોટલમાં પહોંચી ગયા હતા.
જીતુભાઈએ કિશોરને પોતાની કોન્ટ્રાક્ટર તરીકે ઓળખ આપી હતી અને તેમણે કરેલા પ્રોજેકટના ફોટોગ્રાફસ બતાવ્યા હતા. ફોટોગ્રાફસ જોઈને કિશોરે જીતુભાઈ સાથે કામ કરવાની હા પાડી દીધી હતી અને સાણંદ ખાતે આવેલા વિરોચનનગરમાં રેલવે સ્ટેશનનું બિલ્ડીંગ બનાવવાનું કામ આપ્યું હતું.
કિશોરે પહેલાં જીતુભાઈને સાણંદ ખાતે જઈને બિલ્ડીંગનું કામ જોઈ આવવાનું કહ્યું હતું. જીતુભાઈ અને જિજ્ઞેશ સાણંદ ખાતે બિલ્ડીંગનું કામ જોઈ આવ્યા હતા. ત્યારબાદ ભાવનું કવોટેશન આપ્યું હતું.
૩ ઓકટોબર ર૦રરના રોજ જીતુભાઈએ અપૂર્વા કીર્તિ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીના એમડી શ્યામલાલ મિત્તલ સાથે એગ્રીમેન્ટ કર્યો હતો. એગ્રીમેન્ટ થતાંની સાથે જ જીતુભાઈએ વિરોચનનગર રેલવે સ્ટેશનના બિલ્ડીંગનું કામ કરતા હતા. કામ કયા બાદ જીતુભાઈએ અલગ અલગ રકમના કુલ છ બિલો કંપનીને આપ્યા હતા.
જીતુભાઈએ ૧.૩૧ કરોડ રૂપિયાના બિલ આપ્યા હતા જેમાં કંપનીએ કાચામાલ તરીકે આપેલા લોખંડના સળિયા, સિમેન્ટ, ક્રોંકિટ સહિતના માલના કુલ પ૪.૬૪ લાખ રૂપિયા કાપીને બીજા પ૭.૮ર લાખ રૂપિયા જીતુભાઈના ખાતામાં નાંખ્યા હતા. આ સિવાય રેલવે સ્ટેશન બિલ્ડીંગના તેમના પાસેથી ૧૯.૩૦ લાખ રૂપિયા લેવાના બાકી નીકળતા હતા.
જીતુભાઈએ રૂપિયા લેવા માટે અનેક વખત કિશોરને ફોન કર્યો હતો. પરંતુ તે રૂપિયા આપી દઈશું તેવા વાયદા કરવા લાગ્યો હતો. અવાર-નવાર ફોન કર્યા બાદ પણ રૂપિયા નહીં આપતાં કિશોરે કહ્યું કે અમારી કંપનીને આગળથી રૂપિયા આપવામાં આવ્યા નથી. જેવા રૂપિયા આપવામાં આવશે તેવા તમને આપી દઈશે. કિશોરે જીતુભાઈને બોટલમાં ઉતારવા માટે બીજું કામ આપવાની બાંહેધરી આપી હતી.
અપૂર્વા કીર્તિ ઈન્ફ્રાસ્ટ્રકચરે સ્ટાફ કર્વાટ્સ બનાવવા માટેનું કામ પણ જીતુભાઈને આપ્યું હતું. બાંધકામ દરમિયાન જીતુભાઈએ કંપનીને ર૬.૧ર લાખના બિલ આપ્યા હતા જેની સાથે કંપનીએ ર૭.૭૦ લાખ રૂપિયા આપ્યા હતા.
આ બાદ અપૂર્વા કીર્તિ ઈન્ફ્રાસ્ટ્રકચરે જીતુભાઈ પાસે વધારાનું કામ કરાવ્યું હતું. જેમાં સ્ટેશન બિલ્ડીંગના એકસ્ટ્રા કામમાં ટાઈલ્સ ત્રણ વખત બદલાવ્યા હતા. આ સિવાય ગ્રેડ સ્લેબનું કામ, બેટરી રૂમના બ્લોકનું કામ તેમજ પા‹કગ એરિયાનું એકસ્ટ્રા કામ કરાવ્યું હતું. જીતુભાઈને કંપની પાસેથી ૩૦.૧૬ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા પરંતુ કિશોરે ચાલાકી વાપરીને કાચા માલ તરીકેના પ૪.૬૦ લાખ રૂપિયા કાપી લીધા હતા.
કિશોરે રૂપિયા આપવા માટે નાટકો શરૂ કરી દેતાં જીતુભાઈએ કંપનીના એમડીને શ્યામલાલ મિત્તલ અને કો-ઓર્ડિનેટર હિમાંશુ મિત્તલનો ફોન પર સંપર્ક કર્યો હતો અને રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા નહીં મળતાં જીતુભાઈ ટેન્શનમાં આવી ગયા હતા અને લોકો પાસેથી લીધેલા કાચા માલના રૂપિયા ચૂકવવાના તેમજ મજૂરોને રૂપિયા આપવાના બાકી હતા.
જીતુભાઈએ વર્ષ ર૦ર૩માં દવા પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તે બચી ગયા હતા. કિશોરે રૂપિયા અપાવી દેવાની બાંહેધરી આપી હતી અને ખોરજમાં વ્યાજનો ધંધો કરતા ધવલસિંહ પાસેથી જીતુભાઈને છ લાખ રૂપિયા બે ટકા વ્યાજે અપાવ્યા હતા. જીતુભાઈ દર મહિને ૧ર હજાર રૂપિયા વ્યાજ ભરતા હતા. પરંતુ અપૂર્વા કીર્તિ ઈન્ફ્રાસ્ટ્રકચર તરફથી રૂપિયા આવ્યા નહીં. જીતુભાઈને કુલ ૬૩.૪પ લાખ રૂપિયા લેવાના નીકળતા હતા.
જીતુભાઈને રૂપિયા નહીં મળતાં તે ચિંતામાં આવી ગયા હ તા અને બીજી બાજુ વેપારીઓને આપવાના રૂપિયા તેમજ વ્યાજખોરીની ઉઘરાણીના કારણે તેમણે ર૬ ડિસેમ્બર ર૦ર૪ના રોજ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વાસણા પોલીસે આ મામલે ચાર લોકો વિરૂદ્ધ ગુનો નોંધીતે તપાસ શરૂ કરી છે.