લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોવાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા નજીક એક માર્ગ પર ખાનગી વાહન ચાલકો દ્વારા દેશના યુવાધન ને જીવના જોખમે મુસાફરી કરાવતો હોવાનો ચોકાવનારો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગત એક સપ્તાહ પહેલા પણ ભુરાવાવ ઓવરબ્રિજ પાસે ખાનગી વાહનમાં ઘેટા બકરાની જેમ પાછળ લટકીને જીવના જોખમે મુસાફરી કરતો હોવાનું મુસાફરોનો વિડીયો સામે આવ્યો હતો
અને તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા છતાં પણ આજદીન સુધી ટ્રાફિક વિભાગ દ્વારા ખાનગી વાહનો ઉપર કોઈપણ નક્કર પગલાં ભરવામાં ન આવતા ફરી આજ પ્રકારનો ગંભીર અને આશ્ચર્યજનક ગણાતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે હંડકપ મચી જવા પામી છે..
પંચમહાલ જિલ્લામાં આ ગંભીર સમસ્યા માત્ર એક જગ્યાએ નહી પરંતુ ગોધરા સહિત ગ્રામ્ય ના અનેક વિસ્તારોમાં રોજિંદી બની ગઈ છે. દરરોજ સેંકડો યુવાનો જીપ અને છકડા જેવા વાહનોમાં વાહનની ક્ષમતાથી વધુ સંખ્યામાં, કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વિના મુસાફરી કરી રહ્યા છે. આ જોખમી પરિસ્થિતિ છતાં, સિટી ટ્રાફિક અને જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.
જેને લઈને લોકોમાં એક પ્રકાર ની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે જ્યારે સામાન્ય ટ્રાફિક નિયમોના ભંગ બદલ મોટા દંડ વસૂલવામાં આવે છે, ત્યારે આવી જીવલેણ મુસાફરી કરાવતા વાહનચાલકો સામે કોઈ પગલાં લેવાતા નથી આવતા જેને લહીને વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ સમસ્યા માત્ર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ યુવાનોના જીવન સાથે સીધી રીતે જોડાયેલો ગંભીર મુદ્દો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને ટ્રાફિક પોલીસે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવાની માંગ ઊઠી છે,
જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ જોખમી પરિસ્થિતિને અંકુશમાં લઈ શકાય તો આવનાર દિવસોમાં મોટા અકસ્માતોથી બચી શકાય તેમ છે. હાલ જોવાનું રહ્યું કે ટ્રાફિક વિભાગ દ્વારા મોટા મગરમચ્છો ને છોડીને નાની માછલીઓને પકડશે કે ? પછી ગેરકાયદે ઘેટા બકરાની જેમ ભરતા ખાનગી વાહનો સામે કયા પ્રકારની કાર્યવાહી કરશે તે હવે જોવાનું રહ્યું