Western Times News

Gujarati News

સેફ્ટી સાધનો વગર સફાઇ કર્મી પાસે કામ કરાવતાનો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગર, દસાડા તાલુકાના પાટડી ખાતે નગરપાલિકાના બે કોન્ટ્રાક્ટ બેઈઝ સફાઈ કામદારોને તંત્ર દ્વારા સેફટી વગર ભુગર્ભ ગટરની કામગીરી કરાવતા ગેસ ગળતરથી ગત તા.૨૧ જાન્યુઆરીના રોજ મોત નીપજ્યાના બનાવની હજુ શાહી સુકાઈ નથી ત્યાં પાટડી નગરપાલિકા દ્વારા ફરીવાર એવી જ રીતે બેદરકારી દાખવી સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની કામગીરી કરાવતા હોવાની તસ્વીરો અને વિડિયો સામે આવ્યા છે.

પાટડી નગરપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ બે સફાઈ કામદારો જયેશ પાટડીયા અને ચિરાગ પાટડીયાને સેફ્ટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઈ માટે ઉતારતા બંનેના ગેસ ગળતરથી થોડા દિવસ પહેલા મોત નીપજ્યા હતા. આ બનાવ બાદ પણ પાલીકા તંત્રએ કોઇ બોધપાઠ લીધો ન હોય તેમ લાગી રહ્યું છે.

પાટડીના વેલનાથ નગર અને ટીંબાવાસ વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી દરમિયાન ફરી સફાઈ કામદારોને સેફટી સુઝ, હેલ્મેટ સહિતના સલામતીના સાધનો વગર જ કામગીરી કરાવતા હોવાનું સામે આવ્યું છે. આ અંગેના ફોટા અને વિડિયો પણ વાયરલ થયા છે.

હજુ બે સફાઈ કામદારોના મોત નીપજ્યાને માંડ સાત દિવસ જેટલો સમય થયો છે તેમ છતાંય પાટડી નગરપાલિકા તંત્રની આંખ ઉઘડી નથી અને ફરી એ જ પ્રકારની ઘોર બેદરકારી કરતા લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાટડી નગરપાલિકાના સેનેટરી શાખા નામના વોટ્‌સઅપ ગૃપમાં સફાઈ કામદારો પાસે સેફટીના સાધનો વગર સફાઈ કરાવતા ફોટો અને વીડિયો મુક્યા બાદ વાયરલ થયા હતા અને ત્યાર બાદ તુરંત જ આ વોટ્‌સએપ ગૃપ પણ ડિલીટ કરી નાંખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

આથી સેફટીના સાધનો વગર જાણી જોઈને સફાઈ કામદારો પાસે કામ કરાવનાર દોષિતો સામે પગલા લેવામાં આવે અને બે સફાઈ કામદારોના મોતના જવાબદાર આરોપી એવા ચીફ ઓફીસર અને સેનેટરી ઈન્સ્પેક્ટરને પણ ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ઉલ્લેખનીય છે કે બે સફાઇ કામદારોના મોતના બનાવમાં પોલીસે કોન્ટ્રાક્ટરને ઝડપી લીધો છે પરંતુ પાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઈન્સ્પેક્ટર હજુ પોલીસ પકડથી દુર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.