નડિયાદ મગનભાઇ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દિક્ષાંત સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ દિક્ષાંત સમારોહ યોજાયો હતો. મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડૉ.મનસુખ માંડવીયા ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમારોહના અતિથી વિશેષ તરીકે ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવ શ્રી પ્રવીણ લહેરી,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ પ્રદેશના સંઘચાલક ડૉ.જયંતિભાઇ ભાડેસિયા તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના પ્રમુખ ડૉ.અનિલ કુમાર નાયક ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત યુનિવર્સિટી પ્રમુખ ભાસ્કરભાઈ દેસાઇ, પ્રોવોસ્ટ પ્રો.ડૉ.એસ.એન.ગુપ્તા, તથા ગર્વનિંગ બોડીના સભ્યો અનુપભાઇ દેસાઇ, શરણભાઇ દેસાઇ, ચેતનભાઈ શાહ, નવિનભાઇ ભાવસાર ઉપસ્થિત રહ્યાં હતાં.ફેકલ્ટી ઓફ આયુર્વેદ, ફેકલ્ટી ઓફ ર્નસિંગ અને ફેકલ્ટી ઓફ પેરામેડિકલ સાયન્સના ૨૯ વિધાર્થીઓને આ પ્રથમ દિક્ષાંત સમારોહ માં મુખ્ય અતિથિ અને અતિથિ વિશેષ દ્વારા પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં બે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રથમ દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ગોલ્ડ મેડલ માસ્ટર ઓફ સાયન્સ (ર્નસિંગ) તથા દ્વિતીય કુંદનબેન દિનશા પટેલ ગોલ્ડ મેડલ પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ (ર્નસિંગ) ના પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ આયુર્વેદના એક વિદ્યાર્થીને ફેલોશિપ ઇન શૈલ્ય તંત્ર ની પદવી એનાયત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સમાજને ઉપયોગી સમર્પિત કાર્ય કરનાર બે વિશિષ્ટ મહાનુભાવો ને ડોકટર્સ ઓફ લેટર (ડી.લીટ) ની માનદ પદવી એનાયત કરવામાં આવી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ ને સામાજીક સેવા અને જર્મનીના માર્ક રોઝનબર્ગ ને વિશ્વમાં ભારતીય આયુર્વેદ નો પ્રચાર અને પ્રસાર કરવા બદલ આ પદવી એનાયત થઈ હતી. જે બંને મહાનુભાવો એ સહર્ષ સ્વીકારી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીની માતૃ સંસ્થા મહાગુજરાત મેડિકલ સોસાયટી ને માતબર દાન આપનાર દિનશા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ ના કુંદનબેન દિનશા પટેલ, નટુભાઇ એડનવાલા, સુભદ્રાબેન નવિનચંદ્ર શાહ ટ્રસ્ટ ના અજયભાઈ મોદી તથા સ્વ. વીણાબેન પટેલ નું ખાસ મહા દાતાશ્રી તરીકે સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત તેમના વિશિષ્ટ દાન માટે તેમનો સંસ્થા વતી ખાસ આભાર માનવામાં આવ્યો.
ઓડિટોરિયમમાં ઉપસ્થિત મહાનુભાવો એ સ્થાન પર ઉભા થઈ આ મહાદાતાશ્રીઓનું તાળીઓના ગડગડાટથી સન્માન કર્યું હતું.યુનિવર્સિટીના પદાધિકારીઓ, મુખ્ય અતિથિ, અતિથિ વિશેષ શ્રી, ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીના ધ્વજ સાથે બેન્ડ ની સુરાવલી સાથે દિક્ષાંત યાત્રા ના સ્વરૂપમાં ઓડિટોરિયમમાં પ્રવેશ કર્યો હતો. સંઘઠન સૂક્ત ની પ્રાર્થનાથી દિક્ષાંત સમારોહ ની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી.