ગુજરાત પોલીસે ત્રણ વર્ષમાં પાસા હેઠળ કાર્યવાહી પામેલા રીઢા આરોપીઓને કાયદાના પાઠ ભણાવ્યા

સામાન્ય નાગરિકો માટે સંવેદનશીલ ગુજરાત પોલીસ અસામાજીક તત્વો માટે તેટલી જ કડક
રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં ૧૧૫૭ રીઢા આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે ફરી ન વળી જાય તે માટે ગુનેગારો જે ભાષામાં સમજે છે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ સમજ આપી
ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. એક તરફ મહિલા, બાળકો અને વયસ્ક નાગરિકોની સંવેદનશીલ જરૂરિયાતોને અનુરૂપ “સાંત્વના કેન્દ્ર”, “શી ટીમ”, “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અને “તેરા તુજકો અર્પણ” જેવા વિવિધ કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ દ્વારા ગુજરાત પોલીસ સહાનુભૂતિપૂર્વક સહાય પૂરી પાડે છે.
બીજી તરફ, ગુજરાત પોલીસ રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા ગુંડા તત્વો અને નિર્દોષ નાગરિકોને પરેશાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલા લેવા તેમજ કાયદાનું ભાન કરાવવા કડક પગલા પણ લઇ રહી છે.
ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન ત્રણ વર્ષમાં પાસા હેઠળ અટક થયેલા ૧૧૫૭ આરોપીઓને ભેગા કરી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે. આ પહેલનો હેતુ એવા ગુનેગારો પર નજર રાખવાનો છે જેઓ અગાઉ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. તે ઉપરાંત આ રીઢા ગુનેગારોને ફરીથી ગુનાખોરીના માર્ગે જતા અટકાવવાનો છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની સૂચનાથી તાજેતરમાં રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા શહેરમાં આ પ્રકારના આયોજન કરવામાં આવ્યા હતા. જેમા વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન પાસા હેઠળ અટક થયેલા કુલ ૧૧૫૭ આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા. પોલીસે તેમની સાથે વાતચીત કરીને તેમની વર્તમાન પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવી હતી અને તેમને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું હતું કે જો તેઓ ફરીથી ગુનાખોરીમાં સંડોવાયેલા જણાશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાત પોલીસની આ પહેલ ગુનાખોરીને નિયંત્રણમાં રાખવા અને સમાજમાં શાંતિ અને સુરક્ષા જાળવવાના પ્રયાસમાં મહત્વની બની રહેશે. આ ચારેય શહેરોમાં ૧૧૫૭ પાસા આરોપીઓ પૈકી રાજકોટ શહેરના ૭૩, અમદાવાદ શહેરના ૩૮૯, સુરત શહેરના ૫૩૨ અને વડોદરા શહેરના ૧૬૩ આરોપીઓને પોલીસે ગુનાખોરીના રસ્તે પુન: ન વળવા ગુનેગારો જે ભાષામાં સમજે છે તે કાયદાની ભાષામાં સ્પષ્ટ જરૂરી સમજ આપી હતી.
પાસા કાયદા વિશે:
પાસા (PASA- પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ), અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટેનો કાયદો છે. વારંવાર ગંભીર ગુના આચરનારા વ્યક્તિઓ સામે આ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને બુટલેગરો, ખતરનાક ગુનેગારો, જમીન પચાવી પાડનારાઓ, અનૈતિક વેપારમાં સંડોવાયેલા લોકો, ડ્રગ્સના ગુનેગારો, જુગારધામ ચલાવનારાઓ, સંગ્રહખોરી અને કાળાબજાર કરનારાઓ, સાયબર ક્રાઈમ કરનારાઓ અને વ્યાજખોરો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.