રાજકોટ સિવિલમાં ખાડામાં પડતા ઈન્ડોર પેશન્ટનું મોત
 
        રાજકોટ, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મેઈન ગેટના ચાલતા કામમાં જીવલેણ બેદરકારી દાખવીને ત્યાં ઉંડો મોતનો ખાડો ખુલ્લો મુકી દેવાયો હતો જેમા આજે હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ જગદીશભાઈ મનસુખભાઈ ચાવડા (ઉ.વ.૩૫ રહે.બસ સ્ટેન્ડ પાસે કર્મજ્યોત સોસાયટી, તાલાલા) ખાબકતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર આ યુવાનને પેટમાં સોજા ચડયા હોવાથી ત્રણ દિવસથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. આજે વહેલી સવારે તે પત્નીને હમણાં આવું છું કહીને બહાર ચા લેવા માટે નીકળ્યો ત્યારે મુખ્ય દરવાજા પાસે કોન્ટ્રાક્ટરે બેદરકારીપૂર્વક ઉંડો ખાડો ખોદીને તે ખુલ્લો છોડી દીધો હતો અને ત્યાં પુરતી લાઈટ પણ ન્હોતી.
જેના પગલે આ દર્દી યુવાન તેમાં ખાબકતાં ગંભીર ઈજા થતા તેનું હોસ્પિટલમાં મૃત્યુ થયાનું જાહેર થયું છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકમાં અકસ્માતે મોતની એન્ટ્રી કરીને તપાસ હાથ ધરાઈ છે પરંતુ, રાત્રિ સુધી કોઈ ગુનો નોંધાયો ન્હોતો.
સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.મોનાલી માંકડીયાએ જણાવ્યું કે આ અત્યંત ગંભીર બનાવ છે અને એજન્સી સહિત જવાબદારો સામે પગલા લેવાશે. મેઈનગેઈટ નવો બનાવવા કામ ચાલતું હતું અને તેના પીલર માટે ખાડો ખોદવામાં આવ્યો હતો જ્યાં હવે પુરતી લાઈટની વ્યવસ્થા કરીને પાક્કી આડશ ઉભી કરવામાં આવી છે.
આમ, એક યુવાનના મોત પછી તંત્ર જાગ્યું છે ત્યારે આ કામગીરીમાં બેદરકારી અંગે તપાસોમાં સમય વ્યતીત થઈ રહ્યો છે પરંતુ, હજુ કોઈ કડક પગલા લેવાયા નથી કે ફોજદારી ગુનો ત્વરિત કેમ નથી નોંધાયો તે સવાલ ઉઠયો છે. એક તો ઉંડો ખાડો આડશ વગર છોડી દેવાયો, ત્યાં કોઈ ભયસૂચક લાઈટ પણ નહીં અને બીજી તરફ એક દાખલ દર્દી હોસ્પિટલમાંથી બહાર નીકળે તે પણ ગંભીર બાબત છે.SS1MS

 
                 
                 
                