પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી પહેલાં 1800 આપ્યાઃ પછી 7.44 લાખ પડાવ્યા
પાર્ટ ટાઈમ જોબની લાલચ આપી ગઠિયાએ જુહાપુરાના યુવકના રૂ.૭.૪૪લાખ પડાવ્યાં-યુવકને પહેલાં ૧૮૦૦ રૂપિયાનો પ્રોફિટ આપ્યો અને બાદમાં ટાસ્ક પૂરા કરવાની આડમાં રૂપિયા ખંખેરી લીધા
(એજન્સી)અમદાવાદ, શિકારને ફસાવવા માટે જેમ જાળ બિછાવવી પડતી હોય છે તેવી જ રીતે સાયબર ગઠિયાઓ શોર્ટકટથી રૂપિયા કમાવવાના ઈરાદા સાથે નિર્દોષ લોકોને ફસાવવવા માટે લાલચની જાળ બિછાવતા હોય છે.
પહેલાં સાયબર ગઠિયાઓ ટાસ્ક પૂરો કરવાની આડમાં નિર્દોષ લોકોના બેન્કમાં રૂપિયા ટ્રાન્સફર કરીને વિશ્વાસ કેળવી લેતા હોય છે. લોકોને ગઠિયાઓ પર વિશ્વાસ આવી જાય એટલે વધુ ટાસ્ક પૂરો કરવાનું કામ લેવા માટે રૂપિયા જમા કરવા પડશે તેવું કહીને ચીટિંગ કરી લેતા હોય છે. જુહાપુરાના એક યુવકને પહેલાં ગઠિયાઓએ ૧૮૦૦ રૂપિયાનો પ્રોફિટ આપ્યો અને બાદમાં ૭.૪૪ લાખ રૂપિયા પડાવી લીધા.
જુહાપુરા વિસ્તારમાં આવેલી પેરેડાઈઝ રેસિડેન્સીમાં રહેતા મહંમદ સુહેલ શેખે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ૭.૪૪ લાખના ચીટિંગની ફરિયાદ કરી છે. સુહેલ સંયુક્ત પરિવારમાં ભાડાના મકાનમાં રહે છે અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકે છેલ્લા ૧૩ વર્ષથી નોકરી કરીને ગુજરાન ચલાવે છે. સુહેલ ખાનપુર ખાતે આવેલી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, વડોદરા ખાતે આવેલી યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ધરાવે છે.
થોડા દિવસ પહેલાં સુહેલ ઘરે હાજર હતો. ત્યારે તેના ટેલિગ્રામ આઈડીમાં એમેઝોન વેલ્ફેર નામના ગ્રુપની રિકવેસ્ટ આવી હતી. સુહેલ ગ્રુપમાં જોઈને થયો હતો અને ચેક કરવા લાગ્યો હતો. એમેઝોન વેલ્ફેર ગ્રુપમાં સંખ્યાબંધ લોકો જોઈન થયા હતા અને ઘણા લોકો પાર્ટટાઈમ જોબ માટેની વાતચીત કરતા હતા. આ આ સાથે પાર્ટટાઈમ જોબ કરીને એડ્વર્ટાઈઝમેન્ટ મોકલતા હતા. જાહેરાતમાં જોબના પ્રોફિટની પણ વિગતોનો ઉલ્લેખ કર્યો હતો.
દરમિયાનમાં સુહેલને એમેઝોન વેલ્ફેર ગ્રુપના એડમિશનનો મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર ઐશ્વર્યા નામની યુવતી હતી. જેણે પાર્ટટાઈમ નોકરી માટેની વાત કરી હતી. ઐશ્વર્યાએ સુહેલને કેવી રીતે કામ કરવાનું છે તે શીખવ્યું હતું. ઐશ્વર્યાએ મેસેજમાં જણાવ્યું હતું કે, એમેઝોન એપમાંથી જે ઘરવખરીની ચીજવસ્તુઓ આવે તેને તમારે કાર્ટમાં એડ કર્યા બાદ તેનો સ્ક્રીનશોર્ટ પાડીને તે ફોટોગ્રાફસ મોકલવાનો રહેશે જેનો નફો તમારા બેન્ક એકાઉન્ટમાં આવી જશે.
ઐશ્વર્યાએ સુહેલને એક ફ્રી ટાસ્ક આપ્યો હતો અને જેની લિંક મોકલી આપી હતી. સુહેલે લિંક પર ક્લિક કરતાં લોગિન આઈડી પાસવર્ડ માંગ્યો હતો. સુહેલે લોગિન આઈડી બનાવી દેતાં તેને આઈડી નંબર આપવામાં આવ્યો હતો. સુહેલનું એકાઉન્ટ બની ગયા બાદ તેના બેન્ક ખાતામાં ૧પ૦ રૂપિયા જમા થયા હતા. ત્યારબાદ ટેલિગ્રામ પર એક હજાર રૂપિયાનો ટાસ્ક આપવામાં આવ્યો હતો જે ટાસ્ક પૂરો કરતાં સુહેલના બેન્ક એકાઉન્ટમાં ૧૬પ૦ રૂપિયા જમા થઈ ગયા હતા. બે વખત બેન્કમાં રૂપિયા જમા થતાં સુહેલને ઐશ્વર્યા પર વિશ્વાસ આવી ગયો હતો.
સુહેલના વિશ્વાસ બાદ ઐશ્વર્યા સહિતના લોકોએ પોતાની જાળ બિછાવવાની શરૂ કરી દીધી હતી. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે, તમારે પાર્ટટાઈમ જોબમાં આગળ કામ કરવું હોય તો તમારે પૈસા ભરીને ટાસ્ક લેવો પડશે અને જે ટાસ્ક માટે અલગ અલગ પેકેજ નક્કી કરવામાંં આવ્યા છે.
ઐશ્વર્યા પર વિશ્વાસ કરીને સુહેલે પહેલાં એક હજાર રૂપિયા ભરીને ટાસ્ક લીધો હતો. બાદમાં પાંચ હજાર રૂપિયા ભર્યા હતા. ઐશ્વર્યાએ ચાલાકી વાપરીને સુહેલ પાસેથી પહેલા નાની નાની રકમ ભરાવી હતી અને ત્યારબાદ મોટી રકમ ભરાવવાનું શરૂ કર્યું હતું. સુહેલે ર૦ હજાર, ૩૦ હજાર, ૩૦ હજાર, પ૦ હજાર, એક લાખ, બે લાખ અને ત્રણ લાખ ભર્યા ટાસ્ક લેવા માટે ભર્યા હતા. સુહેલે પાર્ટટાઈમ જોબ કરવાની લાલચમાં ૭.૪૪ લાખ રૂપિયા લાખ ભરી દીધા હતા.
સુહેલે ટાસ્મ પૂરા કર્યા હતા જેમાં નફો તેના બેન્ક ખાતામાં જમા થયો. સુહેલે બે વખત નફો વિડ્રો કરવાની કોશિશ કરી હતી પરંતુ તે થઈ શકયો નહીં. સુહેલે તરત જ રૂપિયા વિડ્રો થતાં નથી તેવો મેસેજ ઐશ્વર્યાને કર્યાે હતો પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં. સંખ્યાબંધ મેસેજો કરી લીધા બાદ ઐશ્વર્યાએ જવાબ આપ્યો હતો કે, રૂપિયા વિડ્રો કરવા માટે તમારે વધુ રૂપિયા જમા કરાવવા પડશે.
સુહેલને શંકા જતાં તેણે તરત જ સાયબર હેલ્પ લાઈન નંબર પર ફોન કરીને જાણ કરી દીધી હતી. પાર્ટટાઈમ જોબમાં ટાસ્ક પૂરો કરવાની લાલચ આપીને ગઠિયાઓએ સુહેલ પાસેથી ૭.૪૪ લાખ રૂપિયા પડાવી લીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.