ગોધરામાં મુખ્ય બસ સ્ટેન્ડ સ્થળાંતર અંગે વેપારીઓનો વિરોધઃ કલેક્ટરને આવેદનપત્ર

(પ્રતિનિધિ) ગોધરા, શહેરના મુખ્ય લાલબાગ બસ સ્ટેન્ડને ભુરાવાવ ખાતે સ્થળાંતર કરવાની જાહેરાત થયા બાદ સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય સામે વેપારીઓએ એકસાથે આવી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તીવ્ર વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે જો મુખ્ય બસ સ્ટેન્ડનું સ્થળાંતર કરવામાં આવશે, તો તેમની રોજગારી પર સીધો પ્રભાવ પડશે. બસ સ્ટેન્ડ આસપાસ દરરોજ હજારો મુસાફરોની અવરજવર રહે છે, જે વેપારીઓ માટે મુખ્ય ગ્રાહકો છે.
જો બસ સ્ટેન્ડ ખસેડવામાં આવશે, તો અહીંના વેપાર પર માઠી અસર પડશે.વેપારીઓ અને શહેરીજનોનું કહેવું છે કે શહેરમાં પહેલેથી જ બે ફાટક બંધ હોવાથી ટ્રાફિક સમસ્યા ઉગ્ર બની છે. જેની સીધી અસર શહેરીજનોના દિવસચર્યા પર પડી રહી છે.
વેપારીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે સ્થળાંતર કરવાને બદલે, પહેલા બંધ રહેલા ફાટકો ખોલી ટ્રાફિક સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ. સાથોસાથ વેપારીઓએ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે કે લાલબાગ બસ સ્ટેન્ડને યથાવત રાખવામાં આવે અથવા જો સ્થળાંતર કરવાની ફરજ પડે, તો સ્થાનિક વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.જો તંત્ર દ્વારા વેપારીઓની માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે, તો વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે.