ભારતના 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં: દેશની કુલ ૮૫ રામસર સાઇટમાંથી 4 ગુજરાતમાં
દેશના કુલ વેટલેન્ડ વિસ્તારમાં ગુજરાતનો હિસ્સો ૨૧.૯ ટકા-દેશના ૧ ટકાથી વધુ ‘વેટલેન્ડ’ વિસ્તાર ધરાવતું ગુજરાત એક માત્ર રાજ્ય
Ø ISROના અવલોકન મુજબ ગુજરાતમાં કુલ ૧૭,૬૧૩ વેટલેન્ડ્સ
ગુજરાત વિવિધ વેટલેન્ડ્સ સ્વરૂપે અમૂલ્ય કુદરતી વારસો ધરાવે છે,ઇજે રાજ્યના પર્યાવરણીય સ્વાસ્થ્ય, જૈવવિવિધતા અને અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે ગુજરાત સમગ્ર દેશના કુલ વેટલેન્ડ વિસ્તારમાં ૨૧.૯ ટકા હિસ્સો ધરાવે છે જે ભારતના તમામ રાજ્યો કરતાં મહત્તમ છે. Out of 115 National Wetlands in India, 8 National Wetlands are in Gujarat:
ગુજરાતના વેટલેન્ડ્સ ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકાનો સમાવેશ કરે છે. આ એક અનોખી વિશિષ્ટતા છે કારણ કે દેશના ૧ ટકાથી વધુ વેટલેન્ડ વિસ્તાર ધરાવતું ગુજરાત ભારતનું એકમાત્ર રાજ્ય છે. સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ISRO, ૨૦૨૧ દ્વારા ભારતીય વેટલેન્ડ્સના અવકાશ આધારિત અવલોકન મુજબ, ગુજરાતમાં કુલ ૧૭,૬૧૩ વેટલેન્ડ્સ છે, જે કુલ ૩,૪૯૯,૪૨૯ હેક્ટર વિસ્તારને આવરી લે છે.
તેમાં મુખ્યત્વે અંતરિયાળ-કુદરતી વેટલેન્ડ્સ, અંતરિયાળ-માનવ નિર્મિત વેટલેન્ડ્સ, દરિયાકાંઠાના માનવ નિર્મિત વેટલેન્ડ્સ ઉપરાંત દરિયાકાંઠાના કુદરતી વેટલેન્ડ્સનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મહત્તમ ૬૭ ટકા વિસ્તાર ખાડીઓનો, ત્યારબાદ ૪૬.૮ ટકા વિસ્તાર કળણો, ૯૧.૬ ટકા સોલ્ટ માર્શ અને ૭૫.૫ ટકા વિસ્તાર મીઠાના અગરો ધરાવે છે.
ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં તા. ૨જી ફેબ્રુઆરીએ ‘વર્લ્ડ વેટલેન્ડ ડે’ ઉજવાઈ રહ્યો છે. આ વર્ષે ‘વિશ્વ જળ પ્લાવિત દિવસ’ની વિષયવસ્તુ “પ્રોટેકટીંગ વેટલેન્ડ ફોર અવર કોમન ફ્યુચર” એટલે કે “આપણા સહિયારા ભવિષ્ય માટે જળ પ્લાવિત વિસ્તારોનું રક્ષણ”નક્કી કરવામાં આવ્યું છે.
Ø મહત્વની રાષ્ટ્રીય વેટલેન્ડ્સ
MoEFCC દ્વારા NWCP પ્રોગ્રામ હેઠળ ભારતમાં કુલ ૧૧૫ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સ જાહેર કરવામાં આવી છે. જેમાંથી નળ સરોવર, થોળ તળાવ, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નાની કકરાડ, વઢવાણા, ખીજડિયા અને પરીએજ સહિત કુલ ૮ રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ ગુજરાતમાં આવેલી છે. વધુમાં, ગુજરાતમાં ૧૯ વેટલેન્ડ્સ છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવવિવિધતા વિસ્તારો તરીકે ઓળખાય છે.
Ø રામસર સાઇટ્સ
ભારતની કુલ ૮૫ રામસર સાઇટ્સમાંથી ચાર રામસર સાઇટ્સ ગુજરાતમાં આવેલી છે. જેમાં, નળ સરોવર પક્ષી અભયારણ્ય, થોળ તળાવ વન્યજીવ અભયારણ્ય, ખીજડિયા વન્યજીવ અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડનો સમાવેશ થાય છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, ખીજડિયા અભયારણ્ય, નળસરોવર અભયારણ્ય, છારી ઢંઢ, કન્ઝર્વેશન રિઝર્વ, કચ્છનું નાનું રણ-ઘૂડખર અભયારણ્ય, કચ્છનું મોટું રણ- કચ્છ રણ અભયારણ્ય અને પોરબંદર પક્ષી અભયારણ્ય જેવા બહુવિધ વેટલેન્ડ આધારિત રક્ષિત વિસ્તાર છે.
આ ઉપરાંત ગુજરાતમાં બીજી ઘણી મહત્વની વેટલેન્ડ્સ છે, જે જૈવવિવિધતાના દૃષ્ટિકોણથી સમૃદ્ધ છે જેમાં પોરબંદર જિલ્લામાં ગોસાબારા-મોકર સાગર, બરડાસાગર, અમીપુર ડેમ, ઝવેર-કુછડી વેટલેન્ડ, મેઢા ક્રીક, સુરેન્દ્રનગર જિલ્લામાં નવા તળાવ/સાવડા, ભાસ્કરપુરા વેટલેન્ડ, વડલા વેટલેન્ડ, ભાવનગર જિલ્લામાં કુંભારવાડા, મીઠાની તપેલીઓ અને આંબલા બંધારા, ખેડા જિલ્લામાં નારદા અને પરીએજ વેટલેન્ડ, પાટણ જિલ્લામાં સિંધડા, છણોસરા અને ગરામડી વેટલેન્ડ, કચ્છના જખૌ બંધારા તેમજ દેવભૂમિ જિલ્લામાં ચરકલા વેટલેન્ડ આવેલો છે.
Ø વેટલેન્ડ સંરક્ષણમાં ગીર ફાઉન્ડેશનનું યોગદાન
ભારતના દરેક રાજ્યમાં સ્ટેટ વેટલેન્ડઓથોરીટીની સ્થાપના થઈ જે અંતર્ગત ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરીટીની સ્થાપના કરવામાં આવી છે. ગીર ફાઉન્ડેશન તેની નોડલ એજન્સી તરીકેની સેવાઓ આપી રહ્યું છે. આ ઓથોરિટીના કાર્યો હેઠળ સેવ વેટલેન્ડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગીર ફાઉન્ડેશનના આર.એસ.જી.આઈ.એસ. યુનિટ દ્વારા ૧૫,૨૦૧ વેટલેન્ડનું વેલીડેશન કરવામાં આવ્યું છે.
ઉપરાંત, ગીર ફાઉન્ડેશન ૪૫૮ વેટલેન્ડ હેલ્થ રિપોર્ટ કાર્ડ બનાવ્યા. ૨૦૦૦થી પણ વધુ વેટલેન્ડ મિત્રોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. મિશન લાઈફ પહેલ અંતર્ગત ૨૨૦ જેટલા વેટલેન્ડને લગતા કાર્યક્રમ કરવામાં આવ્યા. ઉપરાંત સેવ વેટલેન્ડ અંતર્ગત ગીર ફાઉન્ડેશને આઠ જેટલા MoU પણ કર્યા છે.
ગીર ફાઉન્ડેશને ગુજરાતની ચાર રામસર સાઈટનું કાર્બન સંગ્રહ આકારણીનો અભ્યાસ પણ કર્યો છે. ગીર ફાઉન્ડેશન દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રાથમિક નોલેજ પાર્ટનર પણ છે. ગીર ફાઉન્ડેશનને રાજસ્થાન, ગોવા, તેલંગાણા, આસામ, મેઘાલય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ ખાતે વિવિધ તાલીમ અને કાર્યશાળાઓ યોજીને વેટલેન્ડ સંદર્ભે નાગરિકોને માહિતગાર કર્યા છે.
આમ, ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમ્સની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ્સ અને વેટલેન્ડ સંશોધન અને દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે. ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી-GSWA માટે નોડલ એજન્સી અને દેશભરના અનેક રાજ્યોમાં નોલેજ પાર્ટનર તરીકે, ફાઉન્ડેશન વેટલેન્ડ્સના દસ્તાવેજીકરણમાં અને વેટલેન્ડ સંરક્ષણ-વ્યવસ્થાપનમાં ઉત્કૃષ્ટ પ્રયાસો સાથે સંક્ષિપ્ત અહેવાલો તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. –જનક દેસાઈ