ચીની કંપનીએ કર્મચારીઓની સામે ૭૦ કરોડ રોકડાં મૂક્યા
નવી દિલ્હી, જો તમારી કંપની તમારી સામે ૭૦ કરોડ રૂપિયા બોનસ તરીકે મૂકે, તો તમે શું કરશો? ચીનમાં કંઈક આવું જ બન્યું છે. એક કંપનીએ તેના કર્મચારીઓને લગભગ ૭૦ કરોડ રૂપિયા બોનસ તરીકે ઓફર કરીને કહ્યું હતું કે તમે તેને ઘરે લઈ જઈ શકો છો.
જોકે, તેની સાથે એક શરત પણ મૂકવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે તમે ગણી શકો તેટલા જ પૈસા ઘરે લઈ જઈ શકો છો. આ કેસ હેનાન માઇનિંગ ક્રેન કંપની લિમિટેડનો છે. કંપનીએ રોકડ રકમ મુકી અને કર્મચારીઓને વર્ષના અંતે મહત્તમ બોનસ લઈ લેવા માટે ૧૫ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો.
કંપનીએ આ પ્રકારના બોનસનો એક વીડિયો પણ શેર કર્યાે છે. જેમાં કંપનીના કર્મચારીઓ સમક્ષ ૭૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક મોટા ટેબલ પર ઘણા બધા પૈસા રાખવામાં આવ્યા છે.
કર્મચારીઓ શક્ય તેટલા પૈસા ઉપાડતા જોવા મળે છે. એક કર્મચારીએ ફાળવેલ સમયમાં ૧૦૦,૦૦૦ યુઆન (લગભગ ૧૨.૦૭ લાખ રૂપિયા) જમા કરાવ્યા હોવાનું જણાવાય છે. વીડિયો સાથેના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, હેનાન કંપની વર્ષના અંતે લાખો ડોલરનો બોનસ ઓફર કરી રહી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો પર અનેક પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે. કેટલાક લોકો કંપનીની પ્રશંસા કરી રહ્યા છે. જ્યારે કેટલાક કંપની પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.SS1MS