નવી બહુમાળી ઇમારતોમાં ૫ માળ પછી એક માળ ‘રેફ્યુઝ એરિયા’ રખાશેઃ સરકાર
નવી દિલ્હી, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અને ફાયર સેફ્ટીના મુદ્દે ચાલી રહેલા કેસની સુનાવણીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓથોરિટીને નિર્દેશ આપ્યા છે કે આગામી સુનાવણીમાં રાજ્યના મનપા સહિતના વિસ્તારોમાં ફાયર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ભરતીનો પ્લાન રજૂ કરવામાં આવે.
ભરતી અંગેનો પ્રગતિ અહેવાલ રજૂ કરવામાં આવે. દરમિયાન કેસની સુનાવણીમાં સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે નવી હાઇરાઇઝ (બહુમાળી) ઇમારતોને હાલ ફાયર એનઓસી આપવામાં આવી નથી. ૧૦૦ મીટર કરતાં વધુ ઊંચાઇ વાળી ઇમારતોને હજુ ફાયર એનઓસી અપાઈ નથી.
જોકે સામાન્ય રીતે આવી ઇમારતોમાં દર પાંચ માળ પછી એક માળ ‘રેફ્યુઝ એરિયા’ તરીકે ખાલી રાખવામાં આવે છે. જેથી કોઇ પણ પ્રકારની દુર્ઘટનાના સમયે લોકોને સરળતાથી બચાવી શકાય. ફાયર વિભાગ પાસે આટલી ઊંચી ઇમારતો સુધી પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન માટેની સીડી હોતી નથી.
પરંતુ હાઇડ્રોલિક પ્લેટફોર્મ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવે છે. રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં સિનિયર ફાયર ઓફિસરોની ખાલી જગ્યા અંગે પણ હાઇકોર્ટ ચિંતા વ્યક્ત કરી હતી. આ મુદ્દે વધુ સુનાવણી ૨૧મી માર્ચના રોજ યોજાશે. અગાઉની સુનાવણીમાં ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું કે ફાયર વિભાગમાં ભરતીઓ કરાઈ રહી છે.
નવા ફાયર સ્ટેશન બનાવવાની ટાઇમ લાઈન અપાઈ છે. જો કે ટાઇમ લાઈન મુજબ રાજકોટ ફાયર સ્ટેશન વર્ષ ૨૦૨૬, ભાવનગર ફાયર સ્ટેશન વર્ષ ૨૦૨૮ અને વડોદરા ફાયર સ્ટેશન વર્ષ ૨૦૨૮માં બનશે. અમદાવાદ મનપાના ફાયર વિભાગમાં ૨૦૮ તો ગાંધીનગર મનપા ફાયર વિભાગમાં ૮૧ જગ્યાઓ ખાલી છે. વધુમાં રાજ્યમાં ખાલી જગ્યાઓ પૈકી ચીફ અને એડિશનલ ફાયર ચીફ ઓફિસરની જગાઓ ખાલી છે.
કોર્ટે પ્રશ્ન કર્યાે હતો કે અમદાવાદ, સુરત, બરોડા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં ૧૩૦ મીટર ઊંચી બિલ્ડિંગ બાંધવા મંજૂરી અપાય છે. અમદાવાદમાં તો ૧૫૦ મીટર ઊંચી બિલ્ડિંગ બાંધવા મંજૂરી અપાય છે. તો કોઈ દુર્ઘટના બને તો ત્યાં ફાયર વિભાગ કેવી રીતે પહોંચશે? જેથી કોર્ટને જણાવાયું હતું કે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં પણ ૪૨ માળની બિલ્ડિંગ છે. તે મુજબના ફાયર સેફ્ટી ઉપકરણો વસાવવામાં આવશે.SS1MS