ઝઘડિયાના ગુમાનદેવ પાસેની એક દીપડો મૃત હાલતમાં મળી આવ્યો
વનવિભાગના જણાવ્યા અનુસાર કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણ થયું હોવાનું અનુમાન.
જે સ્થળેથી દીપડો મૃત હાલતમાં મળી આવ્યો છે ત્યાં થોડા દિવસો અગાઉ જ દીપડાને પકડવા પીંજરું મુકવામાં આવ્યું હતું અને તેનાથી થોડે દૂર જ દીપડો મૃત હાલતમાં મળી આવતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સંભળાય રહ્યા છે.
ભરૂચ: છેલ્લા કેટલા સમયથી ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તાર તેમજ સરદાર પ્રતિમા રોડની ઉપરના વિસ્તારમાં દીપડાનો ખુબ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ખાસ કરીને અધરાત મધરાત ખેતરોમાં સિંચાઈ માટે જતા ખેડૂતો, ખેતમજુરોમાં ભયનો માહોલ વધુ દેખાઈ રહ્યો છે. વન વિભાગે કેટલાક સ્થળોએ પીંજારા મૂકી દીપડાઓને પકડી દૂર જંગલમાં છોડી આવ્યા છે પરંતુ તેનો ભય હજી યથાવત છે. ખેડૂતોની દીપડો દેખાવાની ફરિયાદના આધારે ઝઘડિયા વન વિભાગ દ્વારા ઝઘડિયાના ગુમાનદેવ પાસેની આત્મીય સ્કૂલના પાછળના વિસ્તારમાં દીપડાને પકડવા પીંજરું મુકવામાં આવ્યું હતું. આજરોજ વહેલી સવારે વન વિભાગને માહિતી મળી હતીકે તે પીંજરાની પાસે એક દીપડો મૃત હાલતમાં પડ્યો છે.
ઝઘડિયા વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના વાળી જગ્યાએ પહોંચ્યા હતા. પિંજારાથી થોડે દૂર દીપડો મૃત હાલતમાં પડ્યો હતો. મરણ ગયેલ દીપડાની ઉમર આશરે અઢી વર્ષની હોવાનું અનુમાન છે અને તેની લંબાઈ ૫ ફૂટ જેટલી છે. દીપડાના મરણ બાબતે ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી.જે.તડવી સાથેની ટેલિફોનિક વાતમાં તેમને જણાવ્યું હતુંકે કોઈ ઝેરી પદાર્થ ખાવાના કારણે દીપડાનું મરણનું થયું હોવાનું પ્રાથમિક તારણ છે અને વધુ સ્પષ્ટતા તેના પોસ્ટમોર્ટમ તેના વિસેરો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેના અહેવાલ પરથી જાણી શકાશે. દીપડાના મરણ જવા બાબતે વન વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. પિંજરા પાસે જ દીપડો મૃત હાલતમાં મળી આવતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સાંભળવા મળી રહ્યા છે.