સુરત વડોદરા અને રાજકોટથી GSRTCની બસો પ્રયાગરાજ દોડાવાશે
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ પહોંચવું બનશે સરળ, વધુ ૫ બસો દોડાવાશે
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. ૪ ફેબ્રુઆરીથી નવીન ૫ બસો પ્રયાગરાજ કુંભ ગુજરાતથી શ્રધ્ધાળુઓને લઈને જશે જેમાં અમદાવાદથી ૧ બસ, સુરતથી ૨ બસ, વડોદરાથી ૧ બસ અને રાજકોટથી ૧ બસ શરૂ કરવામાં આવશે.
સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ મુકામે કરવામા આવનાર છે. અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી મુકામે કરવામા આવનાર છે. શરુ થનાર નવીન તમામ ૫ બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
રાજય સરકારે પ્રતિ વ્યક્તિદીઠ પેકેજ પણ આપ્યું છે જેમા અમદાવાદથી જનારા શ્રધ્ધાળુને રૂ. ૭૮૦૦, સુરતથી૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ રૂપિયા ટિકિટ સ્વરૂપે નિયત કરવામાં આવ્યા છે. આ નવી બસોનું ઓનલાઇન બુકિંગની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે.
ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા
અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પ્રયાગરાજ ખાતે જઇને ગુજરાતના શ્રધ્ધાળુઓ મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જે સકારાત્મક નિર્ણય લીધો છે તેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.