Western Times News

Gujarati News

મહાકુંભમાં આજે અંતિમ અમૃત સ્નાન ફરી દુર્ઘટના ન થાય તે માટે ખાસ પગલાં

પ્રયાગરાજ અને મેળા વિસ્તારમાં વાહનોને નો એન્ટ્રીઃ હેલિકોપ્ટરથી નજર

૨૦૧૯ના વર્ષમાં અર્ધ કુંભનું સફળ આયોજન કરનારી ટીમમાં ફરજ બજાવી ચૂકેલા બે સિનિયર અધિકારીને મેળાના સફળ સંચાલન માટે તૈનાત કરાયા છે

મહાકુંભ નગર,
વસંત પંચમીના દિવસે સોમવારના રોજ મહાકુંભ મેળામાં અમૃત સ્નાન થવાનું છે. આ વિશેષ દિવસે દુર્ઘટના રોકવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તંત્રને સાબદું કર્યું છે. અગાઉ ૨૯ જાન્યુઆરીના રોજ મૌની અમાસના અમૃત સ્નાન દરમિયાન ૩૦થી વધુ શ્રદ્ધાળુનાં મોત થયા હતા અને ૬૦થી વધુ ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાની તપાસ સઘન બનાવવાની સાથે ઉત્તર પ્રદેશ સરકારે આજના અમૃત સ્નાનને ખામી મુક્ત બનાવવા બે IAS અધિકારીને વિશેષ જવાબદારી સોંપી છે. તંત્રે બેથી ચાર ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ શહેર અને મેળા વિસ્તારમાં વાહનોની એન્ટ્રી બંધ કરી દીધી છે. વીવીઆઇપી પાસ પણ રદ કરી દેવાયા છે. હેલિકોપ્ટરોથી સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહ્યા છે.

૨૦૧૯ના વર્ષમાં અર્ધ કુંભનું સફળ આયોજન કરનારી ટીમમાં ફરજ બજાવી ચૂકેલા બે સિનિયર અધિકારીને મેળાના સફળ સંચાલન માટે તૈનાત કરાયા છે. આશિષ ગોયલ અને ભાનુ ચંદ્ર ગોસ્વામીને ભીડ નિયંત્રિત કરવાનો અને પ્રયાગ રાજમાં વહીવટી તંત્રનું સંચાલન કરવાનો બહોળો અનુભવ છે. ૨૦૧૯માં ગોસ્વામીએ પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીના વાઈસ ચેરમેન તરીકે ફરજ બજાવી હતી અને પ્રયાગરાજના ડિવિઝનલ કમિશનર પદે ગોયલ તૈનાત હતા. મેળા અધિકારી વિજય કિરણ આનંદ તથા આ બંને અધિકારી અગાઉ ૨૦૧૯માં સાથે કામ કરી ચૂક્યા છે. મહાકુંભ મેળાના સફળ સંચાલન માટે ઉત્તર પ્રદેશ સરકારે ફરી વખત આ ત્રણ અધિકારી પર ભરોસો મૂક્યો છે.

રાજ્યના એડિશનલ ડીજીપી ભાનુ ભાસ્કર જાતે ભીડ નિયંત્રણ માટે મેળા વિસ્તારમાં ફરજ બજાવી રહ્યા છે. વસંત પંચમીના સ્નાનની સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને ખામી રહિત તૈયારીઓ કરવા તાકિદ કરી હતી. મુખ્યમંત્રીની મુલાકાતના બીજા દિવસે રવિવારે એડિશનલ ડીજીપી ભાનુ ભાસ્કર મેલા ઓથોરિટી બિલ્ડિંગમાં આવેલા ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં પહોંચ્યા હતા. તેમણે સમગ્ર મેળા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને મોટા સ્ક્રિન પર એન્ટ્રી પોઈન્ટ્‌સ અને રસ્તા ભેગા થતા હોય તેવા વિસ્તારો ચકાસ્યા હતા. નિરીક્ષણ દરમિયાન કેટલાક ઘાટ પર ભીડ વધારે દેખાતાં તેમણે લાઉડ સ્પીકર પર ઘાટ વિસ્તાર ખાલી કરવા શ્રદ્ધાળુઓને સમજાવ્યા હતા.

ઘાટ પર સ્નાન બાદ શ્રદ્ધાળુઓ બિનજરૂરી ન રોકાય અને તે માટે સાબદા રહેવા પોલીસ ટીમને તેમણે સૂચના આપી હતી.રવિવારે બપોર સુધીમાં ૯૦ લાખ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ડૂબકી મારી હતી. આ સાથે મેળામાં સ્નાન કરનારા લોકોની સંખ્યા ૩૩.૬૧ કરોડે પહોંચી છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રવિન્દ્ર પુરીએ શ્રદ્ધાળુઓને જણાવ્યું હતું કે, ફાફામુથી અરેલ સુધીના દરેક ઘાટ સંગમ સ્થળ જેવાં જ પવિત્ર છે. સંગમનો વિસ્તાર મર્યાદિત હોવાથી શ્રદ્ધાળુઓએ બિનજરૂરી ભીડ કરવાના બદલે અન્ય ઘાટની પસંદગી કરવી જોઈએ. વસંત પંચમીના અમૃત સ્નાન પૂર્વે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તબીબી સુવિધાઓને હાઈ એલર્ટ પર મૂકી છે. તેમણે મહાકુંભ નગરના તમામ તબીબો અને સમગ્ર વિભાગોને લાખો શ્રદ્ધાળુઓની સલામતી અને સુખાકારી માટે ખડે પગે રહેવા સૂચના આપી છે. ૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુંભ નગરીની મુલાકાત લેવાના છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.