વસંત પંચમીના અવસરે વાનખેડેમાં છગ્ગા-ચોકકાનો ‘અભિષેક’
શમીએ ત્રણ તેમ જ વરુણ, અભિષેક, શિવમ દુબેએ બે-બે અને બિશ્નોઈએ એક વિકેટ લીધી હતી
નવા વિક્રમો બન્યા, ભારત ૪-૧થી સીરિઝ જીત્યું
મુંબઈ,
અહીં વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની પાંચમી અને છેલ્લી ટી-૨૦માં ભારતે રવિવારે વસંત પંચમીના શુભ અવસરે અભિષેક શર્માની ભૂતપૂર્વ આતશબાજીની મદદથી ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૨૪૭ રન બનાવ્યા હતા. એના જવાબમાં ઇંગ્લૅન્ડની ટીમ ૧૦.૩ ઓવરમાં ૯૭ રનના સ્કોર પર આૅલઆઉટ થઈ જતાં ભારતનો ૧૫૦ રનના વિક્રમજનક માર્જિનથી વિજય થયો હતો. સૂર્યકુમારના સુકાનમાં ભારતે સિરીઝ ૪-૧થી જીતી લીધી છે.ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં ફિલ સાલ્ટના પંચાવન રન હાઇએસ્ટ હતા.
શમીએ ત્રણ તેમ જ વરુણ, અભિષેક, શિવમ દુબેએ બે-બે અને બિશ્નોઈએ એક વિકેટ લીધી હતી.એ પહેલાં, ભારતની ઇનિંગ્સમાં ઘણા નવા વિક્રમો બન્યા હતા. મૅન આૅફ ધ મૅચ લેફ્ટ-હેન્ડ ઓપનર અભિષેક શર્માએ ૫૪ બાલમાં તેર સિક્સર અને સાત ફોરની મદદથી ૧૩૫ રન બનાવ્યા હતા.ટી-૨૦ ઇન્ટરનેશનલ રમી ચૂકેલા ભારતીયોમાં હવે અભિષેકની ૧૩ સિક્સર હાઈએસ્ટ છે. તેણે રોહિત શર્માનો ૧૦ સિક્સરનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે.અભિષેકના ૧૩૫ રન ટી-૨૦માં ભારતીયોના વ્યક્તિગત સ્કોર્સમાં નવો વિક્રમ છે. તેણે શુભમન ગિલ (૧૨૬ અણનમ, ૨૦૨૩માં અમદાવાદમાં ન્યૂ ઝીલેન્ડ સામે)નો ભારતીય રેકોર્ડ પણ તોડ્યો છે.SS1