Western Times News

Gujarati News

કાપડ માર્કેટમાં મંદીઃ મિલોમાં સપ્તાહમાં બે દિવસ રજા

યુક્રેન-રશિયા અને હમાસ-ઈઝરાયેલ યુદ્ધ, નિકાસમાં ઘટાડો, દેશમાં ઘટતી માંગ અને મંદીના લીધે કાપડ ઉદ્યોગ પર અસર

(એજન્સી)અમદાવાદ, ડાયમંડ ઉદ્યોગ બાદ હવે કાપડ માર્કટમાં પણ મંદીની શરૂઆત થઈ છે. ખાસ કરીને ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીમાં એમએસએમઈમાં આઈટી એકટના કારણે વેપારને અસર થતાં છેલ્લા ૧પ દિવસથી શહેરની પ્રોસેસિંગ મિલોમાં સપ્તાહમાં બે દિવસ રજા આપવાની શરૂઆત કરવામાં આવી છે

જેના કારણે હવે હીરા ઉદ્યોગ જેવી મંદીનો સામનો કરવો ન પડે તેના માટે સરકાર આગોતરું આયોજન કરી રહી છે. હવે કપાસનું ઉત્પાદન વધારવા માટે પાંચ વર્ષનું મિશન હાથ ધરાશે અને કાપડ ઉદ્યોગને મજબૂત કરાશે.

યુક્રેન-રશિયા અને હમાસ-ઈઝરાયેલ યુદ્ધ, નિકાસમાં ઘટાડો, દેશમાં ઘટતી માંગ અને મંદીના લીધે કાપડ ઉદ્યોગ પર આડઅસર થઈ રહી છે. મશીનથી બનાવવામાં આવેલા કાપડ ઉત્પાદનમાં ૩પથી ૪૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.

તૈયાર કાપડ (ગાર્મેન્ટ) બનાવનાર ઉદ્યોગના વેપારીઓને કાપડના પૈસા મેળવવા માટે ચાર મહિના સુધી રાહ જોવી પડે છે જે તેમના માટે ચિંતાનો વિષય છે તો કયાંક આધુનિકીકરણના લીધે કાપડ ઉદ્યોગમાં મંદી સર્જાઈ રહી છે.

કાપડ ઉદ્યોગમાં કાપડ પર કરવામાં આવતી પ્રક્રિયાનું પ્રમાણ પણ ૩૦ ટકાથી ઘટી ગયું છે. આ પ્રમાણ ઓછું થવાથી કાપડને પ્રક્રિયા માટે બીજા રાજ્યમાં લઈ જવાનો ડર બતાવીને મજૂરીનો દર હજુ ઓછો કરવામાં આવી રહ્યો છે. પૂરતી આવક ન આવવાના લીધે કામના દિવસો પણ પાંચ દિવસ કરવામાં આવ્યા છે.

સુરતની ઓળખ ટેકસટાઈલ-સિલ્ક સિટી તરીકેની છે પરંતુ હવે તે ઓળખ ઝાંખી પડી રહી છે તેનું કારણ એ છે કે, છેલ્લા છ મહિનાથી સુરતનો ટેકસટાઈલ ઉદ્યોગમાં સતત મંદી જોવા મળી રહી છે. એક તરફ બજારમાં કાપડની માંગનો અભાવ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હવે અદ્યતન મશીનરી ધરાવતા વિવર્સે ફરજિયાતપણે અÂસ્તત્વ ટકાવી રાખવા માટે ઉત્પાદનમાં કાપ મૂકવો પડે એવી સ્થિતિ છે.

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સુરતમાં અદ્યતન મશીનરીમાં કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. પરિણામે દરરોજ સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજિત ચારથી સાડા ચાર કરોડ મીટર જેટલા કાપડનું ઉત્પાદન થાય છે. પરંતુ છેલ્લા લગભગ છ એક મહિનાથી બજારમાં મંદીર જોવા મળી રહી છે.

હાલમાં રેપિયર જેવા અદ્યતન મશીન ધરાવતા વિવર્સે પોતાના ઉત્પાદનમાં કેટલાક કિસ્સામાં ૮૦ ટકા સુધી કાપ મૂકવાની ફરજ પડી છે. માત્ર એક શિફટમાં કામ ચાલતું હોય તેવા અનેક કારખાના હાલ સુરતમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે બજારમાં હાલ ડિમાન્ડ પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે.

એક સમય હતો જ્યારે ગુજરાતનો કાપડ ઉદ્યોગ દેશમાં મહારાષ્ટ્ર પછીથી બીજા સ્થાને રહેતો હતો અને અન્ય રાજ્ય તેનું અનુકરણ કરતા હતા. ગુજરાતના કાપડ ઉદ્યોગના વિકાસ મોડલને ધ્યાનમાં રાખીને બીજા રાજ્યની તેમની આગવી જરૂરિયાતને અનુલક્ષી પોતાના રાજ્યમાં કાર્યરત ઉદ્યોગના વિકાસ માટે ટેકસટાઈલ પોલિસી ઘડવા લાગ્યા હતા જેમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર, રાજસ્થાન ઓડિસા, પશ્ચિમ બંગાળ, પંજાબ તેમજ કેન્દ્ર શાસતિ દાદરા-નગર હવેલી તથા દમણ વગેરેનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.