Western Times News

Gujarati News

શાકભાજીની લારી ચલાવતા શખ્સે મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપી હતી

પ્રતિકાત્મક

મહાકુંભમાં બ્લાસ્ટની ધમકી આપનાર આરોપીને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધો

અમદાવાદ, મહાકુંભમાં હાલ દરરોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવવા આવી રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેલ મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. મહાકુંભ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ અને રેલવેમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉંડાણપૂર્વકની તપાસ કરીને એક આરોપીને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન એક ઇસમ દ્વારા 12 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. વિગતો મુજબ આ ઇસમ દ્વારા મોબાઈલથી મેસેજ કરી મહાકુંભ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ અને રેલવેમાં પણ બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. મેસેજમાં પાકિસ્તાન અને ધાર્મિક લખાણો પણ ઉલ્લેખ કરાયો હતો.

આ તરફ બ્લાસ્ટની ધમકીને પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને આ મામલે ગંભીરતાથી તપાસ આદરી હતી. મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મામલે ઝીણવટભરી તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોબાઈલથી મેસેજ કરી બ્લાસ્ટની ધમકી આપનાર શખ્સને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ પોલીસે આરોપીની અટકાયત બાદ પૂછપરછમાં અનેક ખુલાસા થઈ શકે છે.

આ તરફ પ્રાથમિક પૂછપરછમાં આરોપીનું નામ અરુણ જોશી હોવાનું અને તે મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલમાં આ આરોપી ઇસમ ગાંધીધામમાં શાકભાજીની લારી અને કરિયાણાની દુકાન ચલાવતો હોવાનું પણ ખૂલ્યું છે.

સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી અરુણ જોશી નામના ઇસમે અલ્લાહુ અકબર, પાકિસ્તાન જિંદાબાદ લખી 12-2-2025ના રોજ મહાકુંભ અને અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો મેસેજ લખી મોકલ્યો હતો. જોકે પોલીસ પણ એક્શન મોડમાં હોઇ આ મેસેજથી પોલીસે તાત્કાલિક અસરથી બ્લાસ્ટની ધમકી આપનારની સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવાયો હતો.

મહાકુંભમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે પોલીસે આરોપીની અટકાયત કરી ઝીણવટભરી તપાસ આદરી છે. આ સાથે હવે પોલીસ શાકભાજીની લારી ધરાવનાર શખ્સની પૂછપરછ કરશે. આ શખ્સ આંતકવાદી સંગઠન સાથે સંકળાયેલો છે અથવા તો ફક્ત આનંદ ખાતર ધમકી આપી હતી કે, પછી અન્ય કોઈ ઇરાદાને પાર પાડવા બ્લાસ્ટની ધમકી આપી હતી ? જેવા અનેક કારણોની પોલીસ તપાસ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.