Western Times News

Gujarati News

ડ્રગ્સની હેરાફેરી કરતાં ગોધરા પાલિકાના સદસ્યને 25 વર્ષની જેલ

ગોધરા પાલિકાના સદસ્યને શરિયા કાનૂન અદાલત દ્વારા રપ વર્ષની સજા-સઉદી અરબના એરપોર્ટ પર પ્રતિબંધિત નશીલી દવાઓ સાથે ઝડપાયા હતા

ગોધરા, ગોધરા નગરપાલિકા સદસ્ય મોહમ્મદ હનીફ સઈદ કલંદરની અંદાજે ૬ મહિના પૂર્વે સઉદી અરબના જિદ્દા એરપોર્ટ ઉપર પ્રતિંબંધિત નશીલી દવાઓના જંગી જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી. એમાં ગોધરાના હયાત કુટુંબના ૩ સભ્યોની પણ અટકાયત કરવામાં આવી હતી.

જો કે, પ્રતિબંધિત નશીલી દવાઓના જંથી જથ્થા સાથે જિદ્દા એરપોર્ટ ઉપરથી ઝડપાયેલા ગોધરા નગરપાલિકાના સદસ્ય મોહમ્મદ હનીફ સઈદ કલંદરને સઉદી અરબના શરીયાકાનૂન અદાલત અંતર્ગત રપ વર્ષની કેદની સજા અને ૧ લાખ રિયાલનો દંડ ફટકારતાં સજાનો આકરો હુકમ ફરમાવવામાં આવતા ગોધરાના રાજકીય અને સામાજિક મોરચે આજનો આ મુદ્દો ચર્ચાઓ કેન્દ્ર સ્થાને ગોઠવાયો હતો. જો કે, સઉદી અરબના શરીયા કાનૂનના અદાલત દ્વારા ગોધરાના હયાત કુટુંબના ૩ સભ્યોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરાયો હતો.

ગોધરા નગરપાલિકાના ચૂંટણી જંગીમાં એઆઈએમઆઈએમની ધમાકેદાર એન્ટ્રીમાં સૌથી વધારે મતોથી વિજેતા બનેલા ગોધરા નગરપાલિકાના સદસ્ય મોહમ્મદ હનીફ સઈદ કલંદરની અંદાજે ૬ મહિના પૂર્વે એટલે કે જુલાઈ ર૦ર૪માં સઉદી અરબના જિદ્દા એરપોર્ટ ઉપર પ્રતિબંધિત નશીલી દવાઓના જંથી જથ્થા સાથે એરપોર્ટ ઓથોરિટીના સત્તાધીશો દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

એમાં ગોધરાના વધુ ૩ હયાત કુટુંબના દંપતી અને માતાની પણ પ્રતિબંધિત નશીલી દવાઓના જથ્થા સાથે અટકાયત કરીને સઉદી અરબના સત્તાવાળાઓને હવાલે કરવામાં આવ્યા હતા. પ્રતિબંધિત નશીલી દવાઓના જથ્થાના આરોપસર જિદ્દાના દેહબાન સેન્ટ્રલ જેલમાં કેદ રહેલા ગોધરાના આ ચાર આરોપીઓ સામે સઉદી અરબની સૌથી મોટી શરીયા અદાલત સમક્ષ હાથ ધરાયેલ ન્યાયિક સુનાવણીના અંતે ગોધરા નગરપાલિકાના સદસ્ય મોહમ્મદ હનીફ કલંદરને રપ વર્ષ કેદની સજા તથા ૧ લાખ રિયાલનો દંડ ફટકારતો આકરો ચુકાદો ફરમાવવામાં આવ્યો હતો.

જ્યારે ગોધરાના હયાત કુટુંબના ૩ સભ્યોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દુબઈ એરપોર્ટ ઉપરથી પ્રતિબંધિત દવાઓના જથ્થા સાથે ઝડપાયેલા ગોધરાના રહીશ સુલેમાનને પણ શરીયા કાનૂન અદાલત દ્વારા ૧૦ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી અને ટૂંક સમયમાં આજ પ્રકારના ગુનામાં ગોધરાના વધુ એક પાલિકા સદસ્ય મોહમ્મદ હનીફ કલંદરને રપ વર્ષ કેદની સજા ફટકારવામાં આવતાં શહેરભરમાં ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.