ટ્રમ્પ સામે ચીનનો વળતો ઘાઃ કોલસા અને એલએનજી પર ૧૫ ટકા ટેરિફ ઝીંકી
નવી દિલ્હી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના માલ-સામાન ઉપર ૧૦ ટકાનો ટેરિફ ઝીંક્યો હતો તેનો વળતો ઘા કરતા ચીનની સરકારે અમેરિકાથી આયાત થતાં કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસ ઉપર ૧૫ ટકા ટેરિફ ઝીંક્યો હતો. તદઉપરાંત અમેરિકાથી આયાત થતાં ક્›ડ ઓઇલ, કૃષિને લગતી મશીનરી અને મોટા કદની મોટરકાર ઉપર ૧૦ ટકા ટેરિફ ઝીંકી હતી.
અમેરિકન પ્રોડક્ટ ઉપર જાહેર કરાયેલો આ વધારો સોમવારથી જ લાગુ પાડી દેવામાં આવશે એમ ચીનના વાણિજ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું હતું. મંત્રાલયે બંને દેશો વચ્ચે ચાલી રહેલાં વેપારને લગતા કેટલાંક કડક પગલાં જાહેર કરવા સાથે અમેરિકાની આઇટી જાયન્ટ કંપની ગૂગલની સામે એન્ટિ-ટ્રસ્ટના આરોપસર તપાસ કરવાનો પણ આદેશ આપ્યો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના આયાતી માલ-સામાન ઉપર જે ૧૦ ટકાનો ટેરિફ ઝીંક્યો હતો તેનો અમલ મંગળવારથી શરૂ થઇ જશે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પ આગામી થોડા દિવસમાં જ ચીનના પ્રમઉખ શી ઝીન પિંગ સાથે મુલાકાત કરીને બંને દેશો વચ્ચે ચાલી રહેલાં વેપાર અને ટેરિફ અંગે વાટાઘાટો કરવાનું વિચારી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકોના આયાતી માલ-સામાન ઉપર પણ ૨૫ ટકાનો ટેરિફ ઝીંક્યો હતો તેનો અમલ પણ મંગળવારથી શરૂ થઇ જવાનો હતો પરંતુ બાદમાં પોતાનું આક્રમક વલણ ઠંડુ પાડતા કેનેડા અને મેક્સિકોના માલ-સામાન ઉપર જાહેર કરાયેલા ૨૫ ટકાના ટેરિફને એક મહિના માટે મુલત્વી રાખવાની જાહેરાત કરી હતી.
મેક્સિકો અને કેનેડાની જમીન સીમાએથી અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટની વધી ગયેલી ઘૂસણખોરી અને આ બંને દેશોની જમીન સીમાએથી વધી રહેલી ડ્રગની દાણચોરી સામે અમેરિકન પ્રમુખને સખત વાંધો હતો.
બાદમાં આ બંને દેશોએ પણ પોતાની સરહદો ઉપર થતી ગેરકાયદે ઘૂસણખોરી અને માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા એકદમ સક્રિય પગલાં લેવાનું શરૂ કરતા ટ્રમ્પ થોડાં શાંત પડ્યા હતાં.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશો ઉપર ટેરિફ નાંખવાના મુદ્દે હવે થોડા ઢીલા પડ્યા છે, કેમ કે પહેલાં તેમણે મેક્સિકો ઉપર લાદેલા ૨૫ ટકા ટેરિફના મુદ્દે એક મહિનાની મુદત પાડી હતી, હવે કેનેડા ઉપર લાદેલા સમાન ટેરિફ દરને લાગુ પાડવા બાબતે એક મહિનાની મુદત પાડી હતી. ડોનાલ્ડ ટ્રમ્પને મેક્સિકો અને કેનેડા સામે મુખ્યત્વે ડ્રગની હેરાફેરી અને તેઓની સરહદે વધી ગયેલી ગેરકાયદે ઘુસણખોરી સામે સખત વાંધો હતો જેથી તેમણે આ બંને રાષ્ટ્રોના માલસામાન ઉપર ૨૫ ટકા ટેરિફ નાંખવાની ધમકી ઉચ્ચારી હતી.
જો કે અમેરિકાના સૌથી મોટા બે વેપારી ભાગીદાર ગણાતા મેક્સિકો અને કેનેડાએ પ્રમઉખ ટ્રમ્પની ચિંતાને વાજબી ઠેરવતા તેને દૂર કરવાના પગલાં લેવાનું શરૂ કરતા સામે પક્ષે ટ્રમ્પ પણ કૂણાં પડ્યા છે.SS1MS