અર્બન નક્સલીઓની ભાષા બોલનારા લોકો બંધારણને નહીં સમજી શકેઃ વડાપ્રધાન મોદી
નવી દિલ્હી, રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આપ પર ચાબખાં માર્યા હતા. સમાજના નબળા વર્ગાેના હિતની સરકાર દ્વારા અવગણના થતી હોવાના રાહુલ ગાંધીના આક્ષેપના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, એસસી અથવા એસટી સમુદાયમાંથી એક જ પરિવારના ત્રણ સભ્યો એક સાથે સાંસદ બન્યા હોય તેવી ઘટના બની નથી.
રાહુલ ગાંધીએ ગત મહિને કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, સરકારી તંત્રના ઉપયોગ થકી કોંગ્રેસને નિશાન બનાવવામાં આવે છે.
કોંગ્રેસની લડાઈ ભારતના તંત્ર સામે છે. રાહુલ ગાંધીનું નામ લીધા વગર વડાપ્રધાને કહ્યું હતું કે, ભારત દેશ સામે યુદ્ધ છેડવાની વાત કરનારા લોકો અર્બન નક્સલ જેવી ભાષા બોલી રહ્યા છે, જે દેશનું કમનસીબ છે. આવા લોકો દેશના બંધારણ કે એકતાને સમજી શકવાના નથી.
વિરોધ પક્ષોની કથની અને કરણીમાં આભ-જમીન જેવો તફાવત હોવાનો દાવો વડાપ્રધાને કર્યાે હતો. મોદીએ કહ્યું હતું કે, એનડીએ સરકારમાં સરકારી મેડિકલ કોલેજની સંખ્યા ૩૮૭થી વધીને ૭૮૦ થઈ છે.
એસસી સમુદાયની મેડિકલ સીટ ૭,૭૦૦થી વધી ૧૭,૦૦૦, એસટી સમુદાયની ૩૮૦૦થી વધી ૯૦૦૦ અને ઓબીસી સમુદાયની ૧૪,૦૦૦થી વધી ૩૨,૦૦૦ થઈ છે.સરકારની સહાયકારી યોજનાના ૧૦ કરોડથી વધુ બનાવટી લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરી સરકારે અત્યાર સુધીમાં રૂ.૩ લાખ કરોડનો દુરુપયોગ અટકાવ્યો છે.
આપના નેતા કેજરીવાલનું નામ લીધા વગર મોદીએ કહ્યું હતું કે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવી દેશના નિર્માણનો પ્રયાસ કરાયો છે, કરોડો રૂપિયાનો ધુમાડો શીશમહેલ બનાવવા નથી થયો. સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બિચારી મહિલા ગણાવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે, ગરીબ પરિવારની દીકરીનું અપમાન કરવાની આ માનસિકતા વખોડવા લાયક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વક્તવ્યનો વળતો જવાબ આપતાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, લોકો સાથે વડાપ્રધાનને નિસબત ન હોય અને તેઓ લોકોની જરૂરિયાતોને વિસારી ચૂક્યા હોય તેવું લાગે છે. વડાપ્રધાને કુંભ મેળાની દુર્ઘટનાનો ઉલ્લેખ ન કર્યાે હોવા બાબતે સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, આ સરકાર માટે લોકોના જીવનનું કોઈ મૂલ્ય નથી.SS1MS