મહિલા જીએસટી અધિકારીનો મોબાઈલ તફડાવનારને ૭ વર્ષની કેદની સજા
ગાંધીનગર, ગાંધીનગર શહેરના ઘ – ૨ સર્કલ નજીક ચાર વર્ષ અગાઉ મહિલા જીએસટી અધિકારીનાં મોબાઈલની તફડંચી કરનાર લુટારુને ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ગુનેગાર ઠરાવી ૭ વર્ષની સાદી કેદની સજા તેમજ ૨૫ હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યાે છે.
અમદાવાદ ખાતે જીએસટી વિભાગમાં રાજ્યવેરા નિરિક્ષક તરીકે ફરજ બજાવતા અને ગાંધીનગરના સેકટર – ૭ શ્યામજી કૃષ્ણ વર્મા પાર્કબ્લોક નંબર ૧૦માં રહેતા આવૃતિબેન હાર્દિકભાઈ ત્રિવેદી ગત તા. ૭/૧૦/૨૦૨૧ના રોજ વટવા જીઆઈડીસી ખાતે ટ્રેનિંગ અર્થે ગયા હતા.
ત્યાંથી સાંજના સમયે ટ્રેનિંગ પુરી થયા બાદ પરત ફરતા ઘ-૨ સર્કલથી ત્રણસો મીટર દુર પહોંચતા આવૃતિબેને પતિને ફોન કરવા પર્સમાંથી મોબાઇલ કાઢતાની સાથે આંખના પલકારામાં આશરે ૨૫ વર્ષનો શખ્સ અચાનક ધસી આવ્યો હતો અને હાથમાંથી મોબાઇલ ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યાે હતો. જેથી આવૃતિબેનનાં હાથમાંથી મોબાઇલ નીચે પડી જતા તે પર્સની તફડંચી કરવા લાગ્યો હતો.
જો કે આવૃતિબેને પર્સ પોતાના હાથમાં પકડી રાખી તેને ધક્કો મારતા તે નીચે પડતાની સાથે આવૃતિબેનનો મોબાઇલ લઈને તેજ ઝડપે રફૂચક્કર થઇ ગયો હતો.
ફરિયાદના આધારે સેકટર – ૭ પોલીસે તપાસ હાથ ધરી મેહુલ બબાભાઈ દંતાણી (રહે. સેકટર – ૭/ડી બગીચા પાસેનાં કાચા છાપરાં, મૂળ અંબાપુર) ની ધરપકડ કરી પુરાવા એકત્ર કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી.
જે કેસ ગાંધીનગરનાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એચ આઈ ભટ્ટની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જીગ્નેશ જોશીએ દલીલો કરી હતી. તેને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને સાત વર્ષની સાદી કેદની સજા તેમજ ૨૫ હજારનો દંડ ફટકાર્યાે છે.SS1MS