Western Times News

Gujarati News

મેં એ બધાં રોલને હા પાડી હોત તો આજે હું મોટો સ્ટાર હોત!: સિદ્ધાર્થ

મુંબઈ, સિદ્ધાર્થને દર્શકોએ ‘રંગ દે બસંતી’ કે પછી ‘સ્ટ્રાઇકર’ જેવી ફિલ્મમોમાં જોયો છે અને તેના અભિનયના વખાણ પણ થયા હતા, જોકે, તે પછી હિન્દી ફિલ્મોમાં ઓછો અને સાઉથની ફિલ્મોમાં થોડો વધુ દેખાયો. તાજેતરમાં સિદ્ધાર્થ ‘ઇન્ડિયન ૨’માં જોવા મળ્યો હતો.

તેનું આવું કરવા પાછળ તેની ફિલ્મોને નકારી દેવાની ટેવ જવાબદાર છે. આ અંગે તાજેતરમાં તેણે હૈદરાબાદ લિટરરી ફેસ્ટિવલમાં વાત કરી હતી. તેની સાથે સિદ્ધાર્થની પત્ની અદિતિ રાવ હૈદરી અને જાણીતાં ગાયિકા વિદ્યા રાવે ચર્ચા કરી હતી. સિદ્ધાર્થે કહ્યું હતું કે તે બહુ ધ્યાનપૂર્વક ફિલ્મોની પસંદગી કરે છે અને કેટલાંક રોલ ઇરાદાપૂર્વક નકારી દે છે.

સિદ્ધાર્થે કહ્યું, “મને એવી સ્ક્રિપ્ટ મળતી હતી, જેમાં હું કોઈ મહિલાને લાફો મારતો હોય, આઇટમ સોંગ ગાતો હોય, કોઇની નાભિ પર ચૂંટલીઓ ખણતો હોય, મહિલાને કહેતો હોય, તેણે શું કરવું અને શું નહીં, તેણે ક્યાં જવું જોઈએ, વગેરે..આવા રોલને હું સીધી ના જ પાડી દઉં છું.

જો હું થોડો વિચિત્ર હોત તો હું આજે મોટો સ્ટાર બની ગયો હોત. મને જે ગમે છે એ જ કામ હું કરું છું.”મહિલાઓ પ્રત્યેના તેના સન્માન, વડિલો સાથે સારા અને બાળકો સાથે કાળજીપૂર્વક રહેવાથી તેની ઓડિયન્સ પર કેટલી હકારાત્મક અસર થઈ છે, તે અંગે સિદ્ધાર્થે કહ્યું કે તેની ૧૫ વર્ષ પહેલાં બનેલી ફિલ્મ આજના દર્શકોને પણ કેટલી યોગ્ય લાગે છે અને યુવા પેઢીને પણ જોવી ગમે છે, તેનાથી તેણે આ વર્ષાેમાં લોકો પર ઘણી હકારાત્મક અસર કરી છે.

તેના આ વલણ સામેના પડકારો અંગે સિદ્ધાર્થે કહ્યું કે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેનાથી તેને જે સંતોષ મળે છે, તેની કોઈ રીતે સરખામણી થઈ શકે તેમ નથી.

તેની આસપાસના લોકો જ્યારે “મર્દ કો દર્દ નહીં હોતા” અને “એંગ્રી યંગ મેન” રોલ કરવામાં વ્યસ્ત હતા ત્યારે તેને પડદા પર રડવામાં કોઈ સંકોચ નહોતો અને તે તો પડદાં પર પણ પુરુષ નબળો પડી શકે છે, તે પ્રકારના રોલ કરતો હતો.

૨૦ વર્ષની કૅરિઅરમાં સિદ્ધાર્થે એવા રોલ પસંદ કર્યા છે, જે તેના અભિનયના વિવિધ પાસાં બહાર લાવી શકે. જેની વાર્તા મજાની હોય અને તેમાં સામાન્ય પ્રવાહની કમર્શીયલ ફિલ્મ કરતાં વધુ પડકારો હોય. હાલ તેની ‘ટેસ્ટ’ નામની તમિલ રોમેન્ટિક ફિલ્મ આવી રહી છે, જેમાં નયનતારા અને આર.માધવન પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.