ભારતીય રેલવે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ૨,૫૨,૨૦૦ કરોડનું બજેટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/Memurail-1024x576.jpg)
પ્રતિકાત્મક
રેલવેની ગતિને શક્તિ આપનારૂં બજેટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં મોટા ફેરફારોના સંકેતો પહેલાથી જ દેખાઈ રહ્યા હતા. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવું જરૂરી છે જ્યાં લોકો રૂઢિગત વિચારો છોડીને પ્રગતિશીલ વિચારસરણી અપનાવે અને નવીનતાઓને પ્રોત્સાહન આપે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના બજેટ દ્વારા એક નવા અને વિકસિત ભારતનો પાયો નાખવાનું કામ કર્યું છે.
વિકસિત ભારતમાં, પરિવહનના તમામ માધ્યમોનો વિકાસ અનિવાર્ય છે. ભારતીય રેલવે – દેશની જીવનરેખા છે, પરિવહનનું સૌથી શક્તિશાળી માધ્યમ છે. નવા વિકસિત ભારતમાં મધ્યમ વર્ગની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહેશે.
મધ્યમ વર્ગના લોકો માટે પરિવહનનું સૌથી પ્રિય માધ્યમ ભારતીય રેલવે જ છે. આ જ કારણ છે કે કરોડો લોકો રેલવે વ્યવસ્થાના નવીનીકરણની આતુરતાથી રાહ જોતા રહે છે.
જમ્મુ થી કાશ્મીર સુધીની રેલ કનેક્ટિવિટી અને તમિલનાડુના પંબન ખાતે નવી ટેકનોલોજીવાળા પુલના નિર્માણથી સામાન્ય લોકોને ભારતીય રેલવે પર ગર્વ કરવાની તક મળી છે. અશ્વિની વૈષ્ણવના પ્રભાવશાળી નેતૃત્વ હેઠળ, ભારતીય રેલવેએ તમામ પ્રકારના પડકારોનો સામનો કર્યો છે અને કાશ્મીર ખીણને ભારતના મુખ્ય નેટવર્ક સાથે જોડવામાં સફળતા મેળવી છે. પંબન ચેનલ પર બનેલો પુલ પણ એક ઐતિહાસિક સિદ્ધિ છે જેના દ્વારા રામેશ્વરમ ફરી એકવાર ભારતીય રેલવે નેટવર્ક સાથે જોડાયું છે. એવી અપેક્ષા છે કે ખૂબ જ ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બંને ભવ્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે.
આ વર્ષના બજેટમાં કરવામાં આવેલી જોગવાઈઓ ભારતીય રેલવેને મજબૂત બનાવશે. ભારતીય રેલવે માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ₹ ૨,૫૨,૨૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. તેવી જ રીતે, આગામી નાણાકીય વર્ષ માટે કુલ મૂડી ખર્ચ (Capex.) ₹ ૨,૬૫,૨૦૦ કરોડ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આનું તાત્પર્ય એ છે કે કેન્દ્ર સરકાર રેલવે પ્રોજેક્ટ્સ પ્રત્યે ખૂબ જ ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૪માં ભારતીય રેલવેનો મૂડીખર્ચ માત્ર ₹ ૪૫,૯૦૦ કરોડ હતો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કર્યું છે કે ભારતીય રેલવે યુવાનોની આકાંક્ષાઓ અને સપનાઓને સાકાર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનોના સંગમ અને ૧૩૦૦ થી વધુ અમૃત ભારત સ્ટેશનોના નવીનીકરણ સાથે, ભારતીય રેલવે એક એવું ઉદાહરણ સ્થાપિત કરવા જઈ રહ્યું છે
જેના પર દરેક ભારતીય ગર્વ કરશે અને કહી શકશે કે તેમના દેશની રેલવે સિસ્ટમ વિશ્વની શ્રેષ્ઠ રેલવે વ્યવસ્થાઓમાંની એક છે. છેલ્લા ૧૦ વર્ષમાં સમગ્ર રેલવે વ્યવસ્થામાં પરિવર્તન આવ્યું છે. સમસ્ત મૂડી ખર્ચનું ધ્યાન – નેટવર્ક વિસ્તરણ, સુરક્ષા, વીજળીકરણ અને રોલિંગ સ્ટોક અને માળખાગત સુવિધાઓના આધુનિકીકરણ પર કેન્દ્રિત રહ્યું છે.
ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર અને બિહાર જેવા રાજ્યોમાં છેલ્લા ૧૦ વર્ષમાં જેટલી રેલવે લાઇનોનું નિર્માણ કરવામાં આવ્યું છે તે સ્વિટ્ઝર્લૅન્ડ, મલેશિયા અને બેલ્જિયમ જેવા દેશોના કુલ રેલવે નેટવર્ક કરતાં પણ વધારે છે. નવી રેલવે લાઇનોના નિર્માણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ₹ ૩૨,૨૩૫.૨૪ કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
જ્યારે નાણાકીય વર્ષ 2009-14માં નવી રેલવે લાઇનોના નિર્માણ માટે સરેરાશ વાર્ષિક બજેટ ફક્ત ₹ ૫,૦૭૫ કરોડ હતું. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ગેજ રૂપાંતરણ માટે ₹૪,૫૫૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૪માં તેનું સરેરાશ વાર્ષિક બજેટ ₹૩,૦૮૮ કરોડ હતું. રોલિંગ સ્ટોક માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ₹ ૫૭,૬૯૩ કરોડનું બજેટ રાખવામાં આવ્યું છે,
જ્યારે નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૪માં તેનું સરેરાશ વાર્ષિક બજેટ ₹૧૬,૦૨૯ કરોડ હતું. આ રકમનો ઉપયોગ કરીને, સેંકડોની સંખ્યામાં નવી વંદે ભારત એક્સપ્રેસ, નમો ભારત રેપિડ રેલ અને અમૃત ભારત ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવશે. જે શહેરો વચ્ચે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત ટ્રેનોના સંચાલનનો આરંભ થયો છે, ત્યાંના લોકોએ તાળીઓના ગડગડાટ સાથે આ ટ્રેનોનું હાર્દિક સ્વાગત કર્યું છે.
ભારતીય રેલવે દ્વારા વ્યસ્ત રૂટને ડબલીંગ અને ચાર ગણા કરવા માટે ઘણી યોજનાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આ કાર્ય માટે ₹ ૩૨,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૪માં સરેરાશ વાર્ષિક બજેટ માત્ર ₹ ૨,૪૬૧ કરોડ હતું. વ્યસ્ત રૂટ પર લાઇનોની સંખ્યા વધારવાથી લોકપ્રિય સ્થળોએ વધુ ટ્રેનો ચલાવવાનું શક્ય બનશે.
ભારતીય રેલવે માં સુરક્ષાને સર્વોપરી ગણવામાં આવે છે. જો પરિવહન વ્યવસ્થા સુરક્ષિત ન હોય તો આરામ અને નવીનતાઓનું કોઈ મૂલ્ય નથી. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં રેલવે સલામતી સંબંધિત પ્રોજેક્ટ્સ માટે ૧,૧૬,૫૧૪ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં રોડ ઓવર બ્રિજ (ROB) / રોડ અંડર બ્રિજ (RUB) ના બાંધકામ માટે ₹ ૭,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2009-14 માં તે ફક્ત ₹ ૯૧૬ કરોડ હતું. ટ્રેક નવીકરણ માટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ₹ ૨૨,૮૦૦ કરોડનું બજેટ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
જેમ કે બધા સંમત થાય છે, ભારતીય રેલવે શ્રીમંત વર્ગનું નહીં જયારે સામાન્ય લોકો માટે પરિવહનનું પસંદગીનું માધ્યમ છે, બજેટમાં નીચલા-મધ્યમ અને મધ્યમ વર્ગના લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૧૭,૫૦૦ નોન-એસી જનરલ કોચના નિર્માણ માટે જોગવાઈ કરવામાં આવી છે. આનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળશે.
ભારતીય રેલવેની યોજના છે કે આગામી ૫ વર્ષમાં પરંપરાગત કોચને અત્યંત અદ્યતન LHB કોચથી બદલી દેવામાં આવે. આનાથી યાત્રા તો આરામદાયક થશે જ, સુરક્ષા પણ વધુ ઉત્તમ થશે કારણ કે LHB કોચ અદ્યતન સુવિધાઓથી સુસજ્જ છે.
વંદે ભારત એક્સપ્રેસની અપાર લોકપ્રિયતાએ ભારતીય રેલવેને વંદે સ્લીપર ટ્રેન બનાવવા માટે પ્રેરિત કર્યું. પ્રથમ વંદે સ્લીપર રેકનું નિર્માણ થઈ ગયું છે અને હાલમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે. ટ્રાયલની સફળતા પછી આ ટ્રેન મુસાફરોની સેવા કરતી ભારતીય રેલવે નેટવર્કનો એક ભાગ બનશે. આ પછી, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૭ માં કુલ ૫૦ વંદે સ્લીપર ટ્રેનોનું નિર્માણ કરવામાં આવશે. ભારતીય રેલવે દ્વારા ૧૦૦ નોન-એસી અમૃત ભારત ટ્રેનો બનાવવાનો પણ નિર્ણય લીધો છે જે અદ્યતન સુવિધાઓ સાથે બનાવવામાં આવી રહી છે. આનાથી ફક્ત સામાન્ય લોકોને જ રાહત મળશે.
ભારતીય રેલવેની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કવચ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ અથડામણ વિરોધી પ્રણાલીને મજબૂત બનાવવા માટે ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ૧૦,૦૦૦ લોકોમોટિવ અને ૩,૦૦૦ કિ.મી. રેલ ટ્રેકને કવચ થી લૈસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે એક સ્વાગતપાત્ર પગલું છે.
ભારતીય રેલ્વે માત્ર મુસાફરોના પરિવહનનું એક મહત્વપૂર્ણ માધ્યમ નથી, પરંતુ માલ પરિવહન માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં માલસામાન લોડિંગ (Freight Loading) નો લક્ષ્યાંક ૧,૭૦૦ મિલિયન ટન નક્કી કરવામાં આવ્યો છે. જે સુધારેલ અંદાજ ૨૦૨૪-૨૫ ની તુલનામાં ૬૫ મિલિયન ટન (૪% વધુ) છે. અલગ-અલગ ચીજવસ્તુઓની પરિવહન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક વેગનના નિર્માણ ની દિશામાં ભારતીય રેલવે દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે.
ભારતીય રેલવે જેવા વિશાળ નેટવર્કના સુરક્ષિત સંચાલન અને વિસ્તરણ માટે ભંડોળ સાથે મજબૂત ઇચ્છાશક્તિ અને દ્રષ્ટિકોણ પણ જરૂરી છે. દેશ ભાગ્યશાળી છે કે તેનું નેતૃત્વ નરેન્દ્ર મોદી જેવા સક્ષમ પ્રશાસકના હાથમાં છે.
રેલ વ્યવસ્થાને મજબૂત બનાવવાની જવાબદારી અશ્વિની વૈષ્ણવને સોંપી છે જેઓ સામાન્ય લોકોના જીવનને બેહતર બનાવવા માટે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગ કરવાના સમર્થક છે. આ જ કારણ છે કે ભારતીય રેલ્વે, તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવાની સાથે લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ બજેટ રેલવેના લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ માટે પૂરતા ભંડોળ પૂરું પાડશે, જેનાથી રેલવેની ગતિને વધુ શક્તિ પ્રાપ્ત થશે.