અયોધ્યા જતાં પહેલા જાણી લોઃ રામમંદિરમાં દર્શન અને આરતીનો બદલાયેલો સમય
(એજન્સી) અયોધ્યા, અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખતા રામલલાના દર્શન અને આરતીના સમયમાં મહત્વના ફેરફાર કર્યા છે. હવે રામલલાના દર્શન સવારે ૬.૦૦ વાગ્યાથી લઈને રાતના ૧૦.૦૦ વાગ્યા સુધી કરી શકાશે. જેના કારણે વધારેમાં વધારે ભક્તોને તેનો લાભ મળશે.
સવારે ૪.૦૦ વાગ્યે મંગળા આરતી થશે અને આ દિવસની પહેલી આરતી હશે. મંગળા આરતી બાદ ભગવાનના પટ થોડા સમય માટે બંધ રહેશે. સવારે ૬.૦૦ વાગ્યે શ્રૃંગાર આરતી, આ આરતી સાથે જ રામલલાનું મંદિર સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવશે. બપોરે ૧૨.૦૦ વાગ્યે રાજભોગ, આ સમય ભગવાનને ભોગ લગાવવામાં આવશે, પણ આ દરમ્યાન પણ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન કરી શકશે.
તો વળી સાંજના ૭.૦૦ વાગ્યે સંધ્યા આરતી,સંધ્યા આરતીના સમયે ભગવાનના પટ ૧૫ મિનિટ માટે બંધ રહેશે. રાતના ૧૦.૦૦ વાગ્યે શયન આરતી. ત્યાર બાદ ભગવાનના પટ બંધ કરી દેવામાં આવશે. અહીં ઉલ્લેખનિય છે કે, પહેલા સવારે ૭.૦૦ વાગ્યે ભક્તો માટે પટ ખોલવામાં આવતા હતા, પણ હવે આ સમય ૬.૦૦ વાગ્યાનો કરી દીધો છે. તો વળી પહેલા શયન આરતીનો સમય ૯.૩૦ વાગ્યાનો હતો, જેને હવે ૧૦.૦૦ વાગ્યાનો કરી દીધો છે.