દાહોદથી ચોરી કરવા અમરેલી, મહેસાણા, જુનાગઢ, ખેડા, વડોદરા જીલ્લાઓમાં ફરતો આરોપી ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/05-02-Chor-1024x611.jpg)
ઘરફોડ ચોરીઓના ગુનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને દહેજ પોલીસની ટીમે દહેજ પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો.આ આરોપી ભરૂચ,છોટાઉદેપુર તેમજ વડોદરા જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓમાં પણ સંડોવાયેલ હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જીલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના જોલવા ગામે એક રહેણાંક મકાન માંથી ગત તા.૦૭/૦૭/૨૦૨૪ ના રોજ કોઈ અજાણ્યો ચોર મકાનના દરવાજાનો નકૂચો તોડીને ઘરમાંથી રોકડા રૂપિયા તેમજ સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૧૮,૯૭,૨૦૦ નો મુદ્દામાલ ચોરી ગયો હતો.આ સંદર્ભે દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ ગુનાનો ભેદ ઉકેલીને ગુનામાં સંડોવાયેલ ઈસમને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓ તરફથી પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ જેના અનુસંધાને દહેજ પીઆઈ એચ.બી.ઝાલા તેમજ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.પી.વાળા દ્વારા દહેજ પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત ટીમો બનાવી સદર ગુનાનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી હતી.
આ દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે દહેજના જોલવા ગામે થયેલ ચોરીના ગુનામાં તેમજ અન્ય જીલ્લામાં ઘરફોડના ગુનામાં સંડોવાયેલ તેમજ હાલમાં વડોદરા ગ્રામ્ય પોલીસના વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ નાસતો ફરતો આરોપી હાલમાં લીમખેડા તાલુકાના તેના ગામ કંબોઈ ખાતે હાજર છે.આ સંદર્ભે ઈન્ચાર્જ પીઆઈ બી.એમ.પાટીદારે દહેજ પોલીસની એક ટીમને લીમખેડા ખાતે મોકલી હતી.
પોલીસ ટીમે સદર આરોપી કલ્પેશભાઈ બચુભાઈ પરમાર રહે.કંબોઈ તા.લીમખેડા જી.દાહોદનાને ઝડપી લઈને દહેજ પોલીસ મથક ખાતે લાવીને તેની પુછપરછ કરતા તેણે ગુનાની કબુલાત કરી હતી.તેમજ તેણે ભરૂચ ઉપરાંત છોટાઉદેપુર જીલ્લામાં પણ ઘરફોડ ચોરીના ગુના કરેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે આરોપીને અટકમાં લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
પોલીસ તપાસ દરમ્યાન સદર આરોપી અમરેલી, મહેસાણા, દાહોદ, જુનાગઢ, ખેડા, વડોદરા જીલ્લાઓના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ અંતર્ગત ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું હતુ.સદર આરોપી ઝડપાતા ભરૂચ જીલ્લા સહિત અન્ય જીલ્લાઓના પોલીસ મથકોમાં નોંધાયેલ કેટલાક ગુનાઓના ભેદનો પર્દાફાશ થયો હતો.