કેરળમાં ૫૬ વર્ષની મહિલાએ કૂવામાં પડેલા પતિને બચાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Kerala.jpg)
કોચી, કેરળમાં બનેલી એક ઘટનામાં જીવન સાથીએ નવજીવન આપવાનું કામ કર્યું છે. કેરળના પીરાવોમ ખાતે પત્નીની બહાદુરી અને સમયસૂચકતાના કારણે કૂવામાં પડી ગયેલા પતિનો જીવ બચી ગયો હતો. મરી ચૂંટવા માટે પતિ ઝાડ પર ચડ્યો હતો, પરંતુ એક ડાળી તૂટી જવાથી તે અકસ્માતે ૪૦ ફૂટ ઊંડા કૂવામાં પડ્યો હતો.
પતિ કૂવામાં ડૂબી રહ્યો હોવાનું જણાતા તેની પાછળ પત્નીએ પોતાના જીવનની પરવા કર્યા વગર કૂવામાં ઝંપલાવ્યુ હતું. કેરળના પિરાવોમના સ્થાનકિકોના જણાવ્યા મુજબ, બુધવારે વહેલી સવારે સમગ્ર દેશનું ધ્યાન ખેંચનારી અને નારીશક્તિનું ઉદાહરણ આપતી ઘટના બની હતી.
૬૪ વર્ષના રમેશનના ઘરની પાછળ વરંડામાં મરીનું ઝાડ આવેલું છે. નિત્ય ક્રમ મુજબ તેઓ મરી ચૂંટવા માટે ઝાડ પર ચડ્યા હતા. વરંડામાં ઝાડની બાજુમાં કૂવો પણ છે. રમેશન મરી ચૂંટી રહ્યા હતા ત્યારે અચાનક ઝાડની એક ડાળી તૂટી હતી, જેના કારણે રમેશન સીધા કૂવામાં પડ્યા હતા.
રમેશનને વધતી ઉંમરની સાથે આરોગ્યની પણ કેટલીક તકલીફ છે, જેના કારણે કૂવામાં પડતાની સાથે જ તેઓ અર્ધબેભાન થઈ ગયા હતા. રમેશનનાં પત્ની પદ્મમ (ઉ.વ.૫૬)ની નજર સામે જ આ ઘટના બની હતી. કૂવામાં પડ્યા પછી પતિની હાલત સતત કથળી રહી હતી.
કટોકટીનો આ સમય આંસુ સારવામાં કે અન્ય લોકોની મદદ શોધવામાં વ્યય કરવાના બદલે જીવન સાથીએ જ જીવન દાતા બનવાનો સંકલ્પ કર્યાે. આંખમાં ડોકાઈ રહેલા આંસુઓને લૂછીને પદ્મમે પોતાની જાતને હિંમત આપી. એક દોરડું હાથમાં લીધું અને દોરડાની મદદથી કૂવામાં ઝંપલાવ્યું. એક હાથમાં દોરડું પકડી રાખીને પદ્મમ પોતે લટકતા હતા અને બીજા હાથથી તેમણે પતિને જકડી રાખ્યા.
કૂવામાં છાતી સમાણા પાણી હતા અને રમેશન પોતાની જાતે ઊભા પણ રહી શકતા ન હતા. પદ્મમે આ સ્થિતિમાં પતિને કસીને પકડી રાખ્યા અને દોરડાની પકડ સહેજ પણ ઢીલી ના પડે તેનું ધ્યાન રાખ્યું. આ ઘટના અંગે પડોશીઓને જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી.
૧૫-૨૦ મિનિટમાં ફાયરની ટીમ પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી. કૂવાની ઊંડાઈ ઘણી વધારે હોવાથી ફાયરની ટીમને પહેલી નજરે પતિ-પત્ની નજરે પડ્યા નહીં. અજુગતી ઘટના બની હોવાની આશંકા લાગતી હતી ત્યારે કૂવામાં બંનેના માથા જોવા મળ્યા અને ફાયર બ્રિગેડની ટીમે બમણા વેગથી કામગીરી શરૂ કરી દીધી. પતિ-પત્ની બંનેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.SS1MS