તિરુપતિ મંદિર બોર્ડમાંથી હિન્દુ પરંપરાઓનું પાલન નહીં કરનાર ૧૮ કર્મીઓની હકાલપટ્ટી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Tirupati-1024x576.webp)
તિરુપતિ, આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી)એ ધાર્મિક નિયમોનો ભંગ કરવા પર ૧૮ કર્મચારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
આ કર્મચારીઓ પર હિન્દુ પરંપરાઓનું પાલન નહીં કરવાનો અને બિન-હિન્દુ ધાર્મિક ગતિવિધિઓમાં સામેલ હોવાનો આક્ષેપ છે. આ નિર્ણય તિરુપતિ મંદિરના ધાર્મિક મહત્વ અને મંદિરોની આધ્યાત્મિક પવિત્રતાને જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.
તિરુપતિ મંદિર બોર્ડના ચેરમેન બીઆર નાયડુના નેતૃત્વમાં પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફક્ત હિન્દુ કર્મચારી જ દેવસ્થાનમમાં કામ કરી શકે છે. પરંતુ તપાસ દરમિયાન આ ૧૮ કર્મચારીઓ બિન-હિન્દુ પરંપરાઓનું પાલન કરતો જોવા મળ્યા, જેના કારણે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે.
ટીટીડી બોર્ડના પ્રસ્તાવ મુજબ, આ કર્મચારીઓ તિરુમાલાના મંદિરો અને તેનાથી સંબંધિત વિભાગોમાંથી હટાવવામાં આવશે. સાથે જ, તેમને કોઇ પણ હિન્દુ ધાર્મિક સમારોહના આયોજન કે અનુષ્ઠાનમાં ભાગ લેવાની મંજૂરી અપાશે નહીં.
બોર્ડે આ ૧૮ કર્મચારીઓને બે વિકલ્પ આપ્યા છે – કોઈ સરકારી વિભાગમાં બદલી માટે અરજી કરે કે પછી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના(વીઆરએસ) અંતર્ગત બોર્ડમાંથી નિવૃત્ત થઈ જાય. જો આ બે પૈકી કોઈ વિકલ્પ સ્વીકારશે નહીં તો તેમની સામે વધુ આકરી કાર્યવાહી કરવામાં આવશે.SS1MS