આમોદમાં વન વિભાગની કચેરી પાસે મળસ્કે યુવકની લાશ મળી
અકસ્માત મોત કે હત્યા : પોલીસનો તપાસ માટે ધમધમાટ: યુવક મળસ્કે ખાનગી કંપનીમાં નોકરી જવા માટે નીકળ્યો હતો.
ભરૂચ: આમોદમાં વન વિભાગની કચેરી પાસે મળસ્કે એક યુવાનની લોહી લુહાણ હાલતમાં લાશ મળતા આમોદનગરમાં ચકચાર મચી જવા પામી હતી. આમોદ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરના દરબારી મસ્જિદ પાસે રહેતો સઈદ રશીદ રાણા પોતાના ઘરેથી સવારે ૫:૩૦ કલાકે પાદરા તાલુકાના માસારોડ પાસે આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી જવા માટે નીકળ્યો હતો. જે અરસામાં આમોદના વન વિભાગની કચેરી પાસે આરસીસી રોડ ઉપર સવારે સાડા પાંચથી સાડા છ વાગ્યા દરમિયાન તે લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો. જેના માથાના ભાગે તેમજ કાનના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવતા હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે જોકે મૃત યુવકને માથાના ભાગે તેમજ કાનના ભાગે ગંભીર ઈજાઓ જોતા તેનું પડી જવાથી મોત થયું છે કે પછી કોઈએ હત્યા કરી છે જેવી અનેક ચર્ચા આમોદ નગરમાં ચાલી રહી છે તે જોતા આમોદ પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે અને બાજુની શાળાના સીસીટીવી ફૂટેજ પણ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.તેમજ નાયબ પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જોકે મૃતક યુવકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.જેની તપાસ આમોદના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.યાદવ ચલાવી રહ્યા છે.