અમદાવાદ સહિત રાજ્યમાં ધો.૧ર સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/exam.jpg)
Files Photo
વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર ગુલાબ આપી અને મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ સહિત રાજ્યભરમાં ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની ફાઈનલ પરીક્ષા પહેલાંનું પગથિયું ગણાતી પ્રેક્ટિકલ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. પ્રેક્ટિકલ પરીક્ષા અને વાર્ષિક થિયરી પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓના ભાવિ નક્કી કરશે. પ્રેક્ટિકલ પરીક્ષામાં ફિઝિકસ, બાયોલોજી અને કેમિસ્ટ્રીની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે.
ધો.૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૧ર લાખથી વધુ નિયમિત વિદ્યાર્થીઓ તો ૧.૧પ લાખથી વધુ રિપિટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. શાળાઓએ ર૧ ફેબ્રુઆરી સુધીમાં શિક્ષણ બોર્ડને પ્રેક્ટિકલ પરિણામ ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. પ્રાયોગિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર ગુલાબ આપી અને મોં મીઠું કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રેક્ટિકલ પરીક્ષામાં હકારાત્મક વાતાવરણ ઊભું કરવાના પ્રયાસ સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા.
ગુજરાત બોર્ડની ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી ર૭ ફેબ્રુઆરીથી શરૂ થશે અને તે ૧૦ માર્ચ સુધી ચાલશે. પરીક્ષાને બે ભાગમાં વહેંચવામાં આવશે. પ્રથમ ભાગમાં પ૦ ગુણના ઓએમઆર આધારિત પ્રશ્નપત્ર હશે જેના માટે વિદ્યાર્થીઓ પાસે ૬૦ મિનિટનો સમય હશે. કોમર્સ અને આટ્ર્સ સ્ટ્રીક માટે ધો.૧રની પરીક્ષાઓ પણ ર૭ ફેબ્રુઆરીથી શરૂ થશે અને ૧૩ માર્ચ સુધી ચાલશે.
આ પરીક્ષાઓ વિષયના આધારે સવાર અને સાંજની અલગ અલગ શિફટમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે સ્થળ સંચાલકોને ખાસ જવાબદરી સોંપવામાં આવી છે. આ પ્રાયોગિક પરીક્ષા વિદ્યાર્થીઓને તબક્કાવાર બોલાવીને લેવામાં આવશે. આ પરીક્ષા જે દિવસે લેવામાં આવે તે જ દિવસે ગુણ અપલોડ કરવાની બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી છે.
બોર્ડની વેબસાઈટ પર ઉમેદવાર શાળાના ઈન્ડેકસ નંબર, મોબાઈલ નંબર સહિત રજિસ્ટ્રેશન ઈ-મેઈલ એડ્રેસના માધ્યમથી ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા એક અખબારી યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ અખબારીયાદી અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યો, શિક્ષકો,
વહીવટી કર્મચારીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડની પરીક્ષાઓ માર્ચના બીજા સપ્તાહમાં શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે તે લગભગ બે અઠવાડિયા પહેલાં એટલે કે ફેબ્રુઆરીમાં શરૂ થશે. પરિણામે બોર્ડ એપ્રિલના અંત સુધીમાં ધો.૧૦ અને ધો.૧રના વિદ્યાર્થીઓ માટે પરિણામ જાહેર કરે તેવી સંભાવના છે.
સ્કૂલના ત્રણ શિક્ષકો અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મૂકવામાં આવેલા એક શિક્ષક એમ કુલ ચાર શિક્ષકો દ્વારા પ્રાયોગિક પરીક્ષાનું નિરીક્ષણ કરી માર્કસ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સ્કૂલ ઉપરાંત નજીકની અન્ય સ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી અને બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી એક-બે તબક્કામાં પરીક્ષા યોજાઈ છે.