Western Times News

Gujarati News

આધારકાર્ડમાં સુધારો કરવા વધુ નાણાં પડાવતો શખ્સ ઝડપાયો

વિદ્યાનગરના ભાટીયા કોમન સર્વિસ સેન્ટરના ઓપરેટર દિલ્પેશ ભાટીયા સામે ફરિયાદ નોંધાઈ

આણંદ, આણંદ જિલ્લા કલેકટરને નાગરિક દ્વારા ઈ-મેઈલ કરી આધાર અપડેટમાં વધુ નાણાં વસૂલતા ઓપરેટરની ફરિયાદ કરાઈ હતી. આ બાબત ધ્યાને લઈ જિલ્લા કલેકટર પ્રવિણ ચૌધરીએ આ બાબતે તપાસના આદેશ આપી આણંદના પ્રાંત અધિકારીને સ્થળ તપાસ કરવા જણાવ્યું હતું.

આ અંગે પ્રાંત અધિકારી મયુર પરમાર દ્વારા મામલતદાર, આણંદ ગ્રામ્ય અને ટીમે વિદ્યાનગર ખાતે આવેલા ભાટીયા કોમન સર્વિસ સેન્ટરની તપાસ કરવામાં આવી હતી જ્યાં સેન્ટરનો ઓપરેટર દિલ્પેશ એમ.ભાટીયા આધાર અપડેશનની કામગીરી માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, સોજીત્રાને ફાળવેલ આધાર કીટથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આધાર અપડેટની કામગીરી કરતો હતો

જે ગત તારીખ ૮મી જાન્યુઆરીના રોજ સોજીત્રા તાલુકાની દેવાતજ ગામની પ્રાથમિક શાળા ખાતેની કામગીરી દરમિયાન કોઈ પણ મંજૂરી વગર આધારકાર્ડની કીટ વલ્લભ વિદ્યાનગર ખાતે લાવી તેના દ્વારા સામાન્ય નાગરિકો પાસેથી ગેરકાયદેસર રીતે વધુ નાણાં પડાવી આધારકાર્ડમાં સુધારા-વધારા અને અપડેટની કામગીરી કરતો હતો.

આ અંગે મળતી ફરિયાદમાં ભાટિયા કોમન સર્વિસ સેન્ટર વિદ્યાનગર ખાતે નાગરિક આધારકાર્ડ ફોટો અપડેટ કરાવવા ગયા હતા ત્યારે તેમની પાસેથી સેન્ટરના ઓપરેટર દિલ્પેશ ભાટીયાએ નિયત ફી કરતાં વધુ રૂપિયા ૭૦૦/- વસૂલ્યા હતા અને કોઈ રિસિપ્ટ આપેલ નહીં. જેના બીજા દિવસે આધારકાર્ડ અપડેટનો મેસેજ અરજદારના મોબાઈલમાં આવતા તેની ફી પેટે રૂપિયા ૧૦૦/- મળેલ હોવાનું જણાઈ આવતા

અરજદાર નાગરિકે આણંદ જિલ્લા કલેકટરને ઈ-મેઈલ દ્વારા ફરિયાદ કરી હતી જે અંગેની તપાસમાં ભાટીયા કોમન સર્વિસ સેન્ટર આધારકાર્ડ અપડેટ કરવાની કામગીરી કરી પોતાના અંગત આર્થિક ફાયદા અર્થે દુરૂપયોગ કરતો હોવાનું જણાઈ આવતા વિદ્યાનગર પોલીસ સ્ટેશન ખાતે તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.