હડકાયા કૂતરાએ પગે અને માથે બચકું ભરતા પાંચ વર્ષીય બાળકનું મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/dogs2.jpg)
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં એક કરુણ ઘટના સામે આવી છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા ૮ વર્ષીય પિયુષ હરીશભાઈ મછારનું કૂતરું કરડ્યા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં સંબંધીએ જણાવ્યું હતું કે, સારવાર માટે ૫ હોસ્પિટલ બદલી પણ પિયુષ બચી શક્યો નહિ. આ કૂતરાએ પિયુષ સિવાય અન્ય ૧૪ લોકોને પણ બચકાં ભર્યાં હતા.
મળતી માહિતી મુજબ, મૃતક પિયુષના પરિવારમાં માતાપિતા અને એક મોટો ભાઇ છે, જે પાંચમાં ધોરણ અભ્યાસ કરે છે. પિતા હરીશભાઈ રામાભાઈ મછાર ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પિયુષના કાકા દિનેશભાઇના જણાવ્યા મુજબ, અંદાજે ૨૦થી ૨૨ દિવસ પહેલાં શાળાએ જતી વખતે હડકાયા કૂતરાએ પિયુષ પર હુમલો કર્યો હતો, જેમાં તેને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
આ જ કૂતરાએ આસપાસના વિસ્તારમાં અન્ય ૧૪ જેટલા લોકોને પણ બચકાં ભર્યાં હતાં સારવાર માટે પરિવારજનો સૌપ્રથમ પિયુષને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા, પરંતુ ત્યાં રસી ઉપલબ્ધ ન હતી. જેથી તેને પહેલાં બાકોર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પછી લુણાવાડા સિવિલ હોસ્પિટલ અને છેલ્લે ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પિયુષને રસી અને સરવાર આપવામાં આવી હતી.
જો કે, બાળકની તબિયત વધુ ખરાબ થતાં અંતે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ૨ દિવસની ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. બાકોરથી ૭૦ કિમી દૂર ગોધરા રસી મુકાવી પડી આ ઘટનાએ આરોગ્ય વ્યવસ્થાની ખામીઓ ઉજાગર કરી છે.