અમેરિકા બાદ હવે આર્જેન્ટિના પણ WHOમાંથી વિદાય લેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/WHO.jpg)
બ્યુનોસ આયર્સ, અમેરિકા બાદ આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિએ પણ વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)માંથી બહાર નીકળી જવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવીયર મીલેઈના પ્રવક્તા દ્વારા જારી કરાયેલાં નિવેદન અનુસાર, સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા સાથેના ગંભીર મતભેદોના કારણે આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના બીજા જ દિવસે એટલે કે અગાઉ ૨૧ જાન્યુઆરીના રોજ ‘હુ’માંથી અમેરિકાનું નામ પાછું ખેંચી લેવાનો આદેશ જારી કર્યાે હતો. અમેરિકા બાદ વધુ એક દેશ દ્વારા સભ્ય પદેથી ખસી જવાના નિર્ણયને કારણે વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રે વ્યાપક સહકારને મોટી અસર થશે.
આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિના પ્રવક્તા મેન્યુઅલ એડોર્નીએ જણાવ્યું હતું કે, આરોગ્ય સંચાલન અંગે ખાસ કરીને કોરોના દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સર્જાયેલા ગંભીર મતભેદોને પગલે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ‘હુ’નું વાર્ષિક બજેટ અંદાજે ૬.૯ અબજ ડોલર છે, જેની સામે હાલમાં આર્જેન્ટિના તેને આશરે ૮ મિલિયન જેટલું ભંડોળ આપે છે.
આ મામલે પ્રતિક્રિયા આપતાં ‘હુ’એ જણાવ્યું હતું કે, તે આર્જેન્ટિના દ્વારા કરાયેલી જાહેરાતની સમીક્ષા કરી રહ્યું છે. એડોર્નીએ વિશ્વ આરોગ્ય સંસ્થા પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, ‘હુ’ કેટલાંક દેશોના પ્રભાવ હેઠળ કામ કરે છે તેથી સ્વતંત્ર નિર્ણયો લઈ શકતી નથી.SS1MS