નકલી શિક્ષકઃ શિક્ષિકા છેલ્લા કેટલાંક મહિનાથી માતાને બાળકોને ભણાવવા મોકલતી હતી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/12/teacher-1024x853.jpg)
प्रतिकात्मक
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ-મહિસાગરની આશ્રમશાળામાં શિક્ષિકાના બદલે તેમની માતા ફરજ બજાવતી હોવાનો ઘટસ્ફોટ
સંતરામપુર, મહિસાગર જિલ્લામાં એક આશ્રમ શાળામાં શિક્ષિકાને બદલે તેની માતા ફરજ બજાવતી હોવાનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. આમ ફરી એક વખત ભાડુતી શિક્ષિકા આશ્રમ શાળામાં શૈક્ષણિક કામગીરી બજાતી હોવાનો વીડિયો વાયરલ થતાં શૈક્ષણિક જગતમાં હડકંપ મચી ગયો છે. આશ્રમ શાળામાં ફરજ પરની શિક્ષિકાની માતા બાળકોને ભણાવતા હોવાનો વીડિયો સામે આવતા તંત્ર એકશનમાં આવી ગયું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સંતરામપુર તાલુકાના જાનવડ ગામ ખાતે આવેલ શ્રી નવયુવક ગ્રામ વિસ્કસ મંડળ સંચાલિત આશ્રમમાંથી ફરજ પરની શિક્ષિકા રીટાબેન પટેલ છેલ્લા કેટલાક મહિનાઓથી શાળામાં ફરજ બજાવતા નથી. તેમના સ્થાને રીટાબેનની માતા ચંદ્રિકાબેન આ આશ્રમમાં જઈને બાળકોને ભણાવતા હોવાનેં સામે આવ્યું છે.
આમ નકલી શિક્ષકનો સંતરામપુર તાલુકામાં પર્દાફાશ થતાં તેની હકીકતોની જાણ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ ર આશ્રમશાળા, દાહોદને થતાં તંત્ર એકશનમાં આવી ગયું છે. વિભાગ ઉંઘમાંથી સફાળું જાગેલ હોય તે તમામ આશ્રમ શાળામાં લેખિતમાં જાણ કરીને નિયમોનુસાર સંચાલન કરવાની જાણ કરીને માત્ર સંતોષ માણ્યો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ શિક્ષિકા તેમના બાળકોને ભણાવવા જિલ્લા બહાર હોવાથી તે શાળામાં આવતા નથી. તેમના સ્થાને શિક્ષિકાની માતા ચંદ્રિકાબેન શાળામાં આવે છે. ચંદ્રિકાબેન પટેલ પણ રિટાયર્ડ શિક્ષિકા છ. તેવો બાળકોને ભણાવતા કેમેરામાં કેદ થતાં આ અવેજી નકલી શિક્ષિકાનો ભાંડો ફૂટયો છે. શાળામાં બાળકોને ભણાવત કેમેરામાં કેદ થઈ જતાં ચૂપચાપ નકલી શિક્ષિકા ચંદ્રિકાબેન પટેલ શાળા છોડીને રવાના થઈ ગયા હતા.
ચંદ્રિકાબેન પોતાની દીકરી રીટાબેનની જગ્યા પર આશરે બે વર્ષથી ભણાવી રહ્યા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ગ્રામજનોનું માનીએ તો રીટાબેનના પિતા આશ્રમ શાળાના ટ્રસ્ટીમાં સભ્ય છે જેથી તેવો પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.