Western Times News

Gujarati News

આ કારણસર દિલ્હીના મુખ્યમંત્રીની શપથવિધિ લંબાવાઈ

૨૭ વર્ષ બાદ ફરી સત્તામાં વાપસી કરી ભાજપે- શપથ ગ્રહણ સમારોહ દ્વારા શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છે છે ભાજપ

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરીને ૨૭ વર્ષ બાદ ફરી સત્તામાં વાપસી કરી છે. જેથી ભાજપના કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપ નેતા સરકાર બનાવવાની તૈયારીમાં લાગેલા છે, એવામાં મુખ્યમંત્રીના નામને લઈને પણ અટકળો તેજ થઈ ચુકી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભાજપે મુખ્યમંત્રીના નામ પહેલાં શપથવિધિની તારીખ નક્કી કરી લેવામાં આવી છે અને નજીકના સમયમાં તેની જાહેરાત પણ કરી દેવાશે. વળી, પાર્ટી શપથવિધિને ભવ્ય બનાવવા ઈચ્છે છે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સાથે દ્ગડ્ઢછના પ્રમુખ નેતા પણ સામેલ થઈ શકે. ભાજપ શપથ ગ્રહણ સમારોહ દ્વારા શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છે છે.

દિલ્હીમાં શપથવિધિને લઈને પ્રદેશ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, શપથવિધિ એવા દિવસે કરવામાં આવશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં સામેલ થઈ શકે. જેને ધ્યાને રાખીને જ કાર્યક્રમની તારીખ નક્કી કરવામાં આવશે. વડાપ્રધાન મોદી ૧૦ ફેબ્રુઆરીથી ૧૩ ફેબ્રુઆરી સુધી વિદેશ પ્રવાસ પર છે. આ દરમિયાન તેઓ ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત લેશે.

એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરત આવે ત્યારબાદ જ શપથ ગ્રહણ સમારોહ થઈ શકે છે. નોંધનીય છે કે, શપથવિધિને લઈને હજુ સુધી સત્તાવાર રીતે કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી. પરંતુ, એ નક્કી છે કે, શપથ ગ્રહણ સમારોહ ૧૩ ફેબ્રુઆરી બાદ જ આયોજિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી સુધી ફ્રાન્સની યાત્રા કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.