માઈ ભક્તો સાથે માં અંબાજીની પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રીએ

અંબાજીમાં શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
(એજન્સી)અંબાજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સર્વે માઈ ભક્તોની ઉપસ્થિતિમાં માં અંબાજીની પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું તથા શક્તિપીઠ પરિસર સંકુલના મંદિરમાં પૂજા અર્ચના કરીને પરિક્રમા મહોત્સવમાં સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અંબાજી ધામનો આ વિરાટ ધર્મોત્સવ વિશ્વના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમણે યાત્રિકોની ઉત્તમ સુવિધા અર્થે અંબાજીમાં કનેક્ટિવિટીની સાથે વિકાસમાં વધારો કરતા આયોજનની રૂપરેખા આપીને સૌને સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કર્યો હતો.
યાત્રાધામ અંબાજી ખાતે અંબાજીના ગબ્બર તળેટીમાં એક જ દિવસમાં એક જ સ્થળે ૫૧ શક્તિપીઠ મંદિરોના દર્શનનો લાભ મળે તેને લઇ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરતુ ધાર્મિક સ્થળ બન્યું છે.
૨૦૧૪માં વિવિધ દેશ વિદેશ માં સ્થાપિત થાયેલા હોય તેજ પ્રકાર ના મંદિરો ની સ્થાપના સાસ્ત્રોક વિધિ પ્રમાણે ગબ્બર માં સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ શક્તિપીઠ મંદિરોની પરિક્રમા નું પણ આયોજન હાથ ધરાયુ છે. તેનો આજે પાટોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દીપ પ્રગટાવીને ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
જોકે આ પરિક્રમા મહોત્સવ ના પ્રારંભે સૌ પ્રથમ કેબિનેટ મંત્રી એ ધ્વજા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આજે પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા છે, જયારે આ પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે ૫૦૦ જેટલી એસટી બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાતા ગબ્બર પરિક્રમા મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે અંબાજી ખાતે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી અંદાજિત ₹12 કરોડના ખર્ચે સંસ્કૃત મહાવિદ્યાલયના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ મહાવિદ્યાલયમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે આવાસનો પણ સમાવેશ કરાયો છે.