શ્રીલંકાના વિદ્યુત સ્ટેશનમાં વાંદરો ઘૂસી જતાં દેશભરમાં વીજળી ડૂલ
કોલંબો, ભારતના પડોશી દેશ શ્રીલંકામાં ફરી એક વાર વીજળી સંકટ પેદા થયું છે. પરંતુ આ વખતે વીજળી સંકટ ગત વખતની જેમ ઊર્જા સંકટને લીધી નહીં, પરંતુ એક વાંદરાને લીધે સર્જાયું છે.
હકીકતમાં, શ્રીલંકાના વિદ્યુત ગ્રીડ સબ સ્ટેશનમાં સવારે ૧૧-૩૦ કલાકની આસપાસ એક વાંદરો ઘૂસી ગયો, જેના કારણે આખા શ્રીલંકામાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો અને અંધારપટ છવાઇ ગયો હતો.
પ્રાથમિક માહિતી પ્રમાણે સતત ચાર કલાકની મહેનત પછી પણ વીજ પુરવઠો રાબેતા પ્રમાણે ચાલુ કરી શકાયો નથી.શ્રીલંકાની સરકારના ઊર્જા મંત્રી કુમારા જયકોડીએ ઘટનાની જાણકારી આપતાં કહ્યું કે, દક્ષિણ કોંલબોના ઉપનગરમાં એક વાંદરો અમારા ગ્રીડ ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવી ગયો હતો. જેના કારણે આખી સિસ્ટમમાં અસંતુલન પેદા થઇ ગયું હતું. એન્જિનિયરોની ટુકડી સંપૂર્ણ તાકાત સાથે તેને બરાબર કરવામાં લાગી છે.
અમને આશા છે કે જલદીમાં જલદી વીજ પુરવઠો ચાલું કરવામાં આવશે.એક રિપોર્ટ પ્રમાણે હમણાં સુધી કેટલાક ક્ષેત્રોમાં વીજ પુરવઠો ચાલું કરી દેવામાં આવ્યો છે. પરંતુ બાકીના ક્ષેત્રોમાં વીજળી કયાં સુધી કપાયેલી રહેશે તેની કોઈ જાણકારી સામે આવી નથી.
સીલોન ઈલેક્ટ્રિસિટી બોર્ડે પણ પોતાની વેબસાઇટ પર આ ઘટનાને લઈને નોટિસ મૂકીને કહ્યું કે અમે આખા દેશમાં વીજ પુરવઠો ચાલું કરવા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. દેશવાસીઓને આ મામલામાં અસુવિધા પેદા થઈ એ માટે માફી માંગીએ છીએ. તમે સૌએ સંયમ જાળવી રાખ્યો એ માટે તમારો આભાર.SS1MS