આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ – જાડા ધાનનો છે – રાજ્યપાલ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Millet-1024x777.jpg)
અમદાવાદમાં રાજ્યકક્ષાનો દ્વિદિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ સંપન્ન
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આવનારો સમય પ્રાકૃતિક ખેતી અને મિલેટ – જાડા ધાનનો છે. મિલેટ – શ્રીઅન્ન તમામ આવશ્યક પોષક તત્વોથી ભરપુર હોય છે. પ્રાકૃતિક ખેત પેદાશો અને જાડાધનનો આહારમાં ઉપયોગ સહુએ વધુમાં વધુ કરવો જોઈએ. સાચી ભક્તિ એટલે કુદરતની વ્યવસ્થામાં સહયોગ આપવો. પ્રાકૃતિક ખેતી, જાડાધનની ખેતી એ જમીનની કુદરતી- નૈસર્ગિક વ્યવસ્થાનો ભાગ છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટમાં મિલેટ ફૂડ સ્ટોલ્સ તેમજ પ્રાકૃતિક ખેત પેદાશોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીએ પણ સાથે સ્ટોલ્સની મુલાકાત લીધી હતી.
રાજપાલશ્રીએ રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટના સમાપન પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને રાષ્ટ્રીય મિશન બનાવ્યું છે. ખેડૂત, જમીન અને ઉપભોક્તા; ત્રણેયના સુસ્વાસ્થ્ય માટે મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા તેઓ સક્રિય છે.
તેમણે ઉમેર્યું કે, શહેરના લોકો મિલેટની ઉપયોગીતા સમજે તે જરૂરી છે. ખેડૂત પ્રાકૃતિક અને મિલેટની ખેતી કરે અને શહેરી તંત્ર માર્કેટની વ્યવસ્થા ઉભી કરે તો પોષક આહારને જનજન સુધી પહોંચાડી શકાય. પાણી અને પર્યાવરણ બંનેની બચત શ્રીઅન્નની ખેતીથી થાય છે.
રાજ્યપાલશ્રીએ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિક અહેવાલનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, ચોખા અને ઘઉંની ઘણી જાતોમાં પોષક તત્વોની ઉણપ ૪૫% સુધી જોવા મળી છે. હાઇબ્રીડ બીજ, યુરિયા ખાતર અને ડીએપીનો વપરાશ આ ઉણપ પાછળ કારણભૂત છે. આવા અનાજમાં કેન્સર પ્રેરતા તત્વો હોય છે. આવા ધાન્યો પેટ ભરે છે પણ પોષણ આપતા નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
રાસાયણિક ખાતરથી ઉગાડવામાં આવતા અનાજથી માનવ શરીરને થતા નુકસાન સંદર્ભે ચિંતા વ્યક્ત કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, અનાજની ગુણવત્તા ઉતરોતર ઘટી રહી છે. શરીરને બળવાન બનાવવા અને રોગ સામે લડવા માટે તૈયાર કરતા પોષક તત્વોવાળો દૈનિક આહાર જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, મિલેટ-જાડાધનની ખેતી કરતા ખેડૂતોએ ભારતની ધાન્ય ખેતપરંપરાને જાળવી રાખી છે. રાજ્યમાં મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે તેની પાછળ રાજ્ય સરકારના સઘન પ્રયાસો રહેલા છે, તેવો સ્પષ્ટ મત રાજપાલશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મિલેટ મહોત્સવની પ્રશંસા કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, સ્વાદની સાથે પોષણ પૂરું પાડવાની જહેમત મિલેટ મહોત્સવના ફૂડ સ્ટોલ્સ ધારકોએ ઉઠાવી છે.
રાજપાલશ્રીએ કૃષિ સખી બહેનોને પ્રાકૃતિક ખેતીને ગ્રાસ રૂટ લેવલ સુધી લઈ જવા માટે અપીલ કરી હતી. તેમણે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની સઘન તાલીમ વ્યવસ્થાનો ચિતાર પણ આપ્યો હતો.
આ અવસરે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક સચિવ શ્રીમતી અંજુ શર્મા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિજય ખરાડી, અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.