દિવ્યાંગ વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા નોકરીદાતાઓ માટે રાજ્ય પારિતોષિક સ્પર્ધા યોજાશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/01/Award-1024x557.jpg)
પ્રતિકાત્મક તસવીર
દિવ્યાંગ વ્યક્તિઓ તથા તેમને કામે રાખતા નોકરીદાતાઓ અને તેમની નોકરી માટે વિશિષ્ટ કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરો માટે રાજ્ય પારિતોષિક સ્પર્ધા યોજાશે
દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે પારિતોષિક વર્ષ 2024નું આયોજન કરાયું છે. જેમાં શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજીનો આ નમૂનો ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in થી અથવા મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ ખાતેથી વિનામૂલ્યે મેળવી શકાશે. અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને પોલીસ વેરિફિકેશન તથા અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવાના રહેશે.
નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરોએ પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવવાની તેમજ તેને સબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવાના રહેશે.
ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામક રોજગારની કચેરી, અમદાવાદ ખાતે તા.24-02-25 સુધીમાં રૂબરૂ અથવા ટપાલ મારફતે મોકલવાની રહેશે.
અધૂરી વિગત/નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ તેવું મદદનીશ નિયામક રોજગાર કચેરી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે.