Western Times News

Gujarati News

વિદ્યાર્થીઓને સ્વસ્થ આહાર અને સારી ઉંઘ લેવા PM મોદીની સલાહ

પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરતા વડાપ્રધાન

(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલાં બાળકો સાથે પરીક્ષા પે ચર્ચા યોજે છે. જેમાં સોમવારે પરીક્ષા પર ચર્ચાની ૮મી આવૃત્તિમાં, તેમણે દેશના વિવિધ રાજ્યોના ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી અને તેમને તણાવ મુક્ત અને સ્વસ્થ રહેવાની ટિપ્સ આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે કેવી રીતે લીડર બની શકાય છે. આ ઉપરાંત પીએમ મોદીએ વિદ્યાર્થીઓને તેમના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત રાખવાની પણ શીખ આપી હતી.

પીએમ મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું કે, તમારા માટે સ્વસ્થ આહાર લેવો મહત્ત્વપૂર્ણ છે. તેમજ અભ્યાસની સાથે સાથે સારી ઊંઘ લેવી પણ ખૂબ જ જરૂરી છે. બાળકોએ ગૂગલ પર એ ન જોવું જોઈએ કે શું ખાવું અને શું ન ખાવું જોઈએ બસ જે હેલ્ધી છે એ જ ખાવું જોઈએ. તેમજ માતા-પિતા જે આપે છે તે ખાવું જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ. આ ઉપરાંત લખવાની બાબતને લઈને પીએમ મોદીએ કહ્યું કે, લખવાની આદત ખૂબ જ જરૂરી છે. તમે ગમે તે લખો તો પણ આ આદત તમારા વિચારોને બાંધવાનું કામ કરશે.

ટાઇમ મેનેજમેન્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પીએમ મોદીએ કહ્યું કે, સૌથી પહેલાં આપણે આપણા સમય વિશે વિચારવું પડશે કે હું મારા સમયનો વધુ ઉપયોગ કેવી રીતે કરી શકું. હું આ બાબતે ખૂબ જ સાવધ છું. સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ બધું કાગળ પર લખવું જોઈએ અને ટાઇમ મેનેજમેન્ટ કરવું જોઈએ. તેને દરરોજ માર્ક કરો અને જુઓ કે તમે કયા કાર્યો સમયસર પૂર્ણ કર્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, વ્યક્તિએ હંમેશા પડકારોનો સામનો કરવો જોઈએ, કોઈપણ વિષયને પડકાર તરીકે જોવો જોઈએ. જે વિષય તમને ડરાવે છે તેને પહેલા ઉકેલવો જોઈએ. જ્ઞાન અને પરીક્ષા બે અલગ વસ્તુઓ છે. આ સાથે શિક્ષકોને ટાંકીને પણ પીએમ મોદીએ વાત કરી અને કહ્યું કે, શિક્ષકોનું કામ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખવાનું પણ છે.

પીએમ મોદીએ બાળકોને એ પણ જણાવ્યું કે તેઓ તેમના મનને કેવી રીતે શાંત રાખી શકે છે. તેમણે કહ્યું કે, અર્થહીન વાત કરવાને બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો તમે અન્ય બાબતો વિશે વધુ પડતી વાત કરશો તો તમારું મન ભટકશે. ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે તમારી નિષ્ફળતાને તમારો શિક્ષક બનાવવો પડશે.

જીવનનો મતલબ માત્ર પરીક્ષાઓ જ નથી. માતા-પિતાને અપીલ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, દરેક માતા-પિતાની કેટલીક અપેક્ષાઓ હોય છે. અન્ય લોકોના બાળકોને જોઈને તેમના પોતાના ઇગો હર્ટ થાય છે. તેમનું સોશિયલ સ્ટેટસ જ તેમના માટે અવરોધ બની જાય છે. હું માતાપિતાને અપીલ કરું છું કે તેઓ તેમના બાળકને દરેક જગ્યાએ એક મોડેલ તરીકે ઊભા ન કરે.

દુનિયાનું દરેક બાળક એક સરખું નથી હોતું. કેટલાક બાળકો રમતમાં સારા અને અભ્યાસમાં નબળા હોય છે. બાળકોના માતા-પિતા અને શિક્ષકોએ તેમની અંદર છુપાયેલી પ્રતિભાને નિખારવાની જરૂર છે. આવડતની શક્તિ ઘણી વધારે છે. આપણે આવડત પર વધુ ધ્યાન આપવું જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.