કેજરીવાલની વર્ષ ૨૦૧૫થી સંપત્તિમાં ૧.૩ કરોડ રૂપિયાનો વધારો થયો
નવીદિલ્હી, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉમેદવારીપત્રક ભરવાના છેલ્લા દિવસે પોતાનુ ફોર્મ ભર્યુ. જો કે આના માટે તેમને લગભગ સાત કલાક રાહ જોવી પડી. નામાંકન દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યુ કે વર્ષ ૨૦૧૫થી તેમની સંપત્તિમાં ૧.૩ કરોડ રૂપિયાનો વધારો થયો છે. સોગંદનામા મુજબ વર્ષ ૨૦૧૫માં અરવિંદ કેજરીવાલની સંપત્તિ ૨.૧ કરોડ હતી, જ્યારે અત્યારે તેમની પાસે ૩.૪ કરોડ રૂપિયાની સંપત્તિ છે. આમાં જણાવવામાં આવ્યુ છે કે તેમની પાસે જે અચળ સંપત્તિ છે તેની માર્કેટ વેલ્યુમાં વધારો થયો છે.
અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ પાસે ૨૦૧ટ્ઠ૫માં રોકડ અને જમા (એફડી) ૧૫ લાખ રૂપિયા હતી, જે વર્ષ ૨૦૨૦માં વધીને ૫૭ લાખ રૂપિયા થઈ ગઈ છે. પાર્ટીના એક પદાધિકારીએ જણાવ્યુ કે વીઆરએસ તરીકે સુનીતા કેજરીવાલને ૩૨ લાખ રૂપિયા અને એફડી મળ્યા બાકી તેમની બચતના પૈસા છે. વળી, સીએમ કેજરીવાલ પાસે રોકડ અને એફડી ૨૦૧૫માં ૨.૨૬ લાખ રૂપિયા હતા જે ૨૦૨૦માં વધીને ૯.૬૫ લાખ થઈ ગયા છે.
સોગંદનામા અનુસાર સુનીતા કેજરીવાલની અચળ સંપત્તિમાં કોઈ ફેરફાર નથી થયો. જો કે અરવિંદ કેજરીવાલની અચળ સંપત્તિ ૯૨ લાખ રૂપિયાથી વધીને ૧.૭૭ કરોડ થઈ ગઈ છે. પાર્ટીના પદાધિકારીઓના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૫માં કેજરીવાલની જેટલી અચળ સંપત્તિ હતી, તેના ભાવમાં વધારાના કારણે આ વધારો થયો છે. અરવિંદ કેજરીવાલ નવી દિલ્લી વિધાનસભા સીટથી ઉમેદવાર છે. તેમની સામે ભાજપના સુનીલ યાદવને જ્યારે કોંગ્રેસે રોમેશ સભરવાલને મેદાનમાં ઉતાર્યા છે. એ યાદ રહે કે દિલ્લી વિધાનસભા ચૂંટણી ૨૦૨૦ માટે નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખ ૨૧ જાન્યુઆરી હતી. બધી ૭૦ સીટો પર ૮ ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને ૧૧ ફેબ્રુઆરીના રોજ પરિણામો આવશે. વર્ષ ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી જીત મળી હતી. આમ આદમી પાર્ટીએ ૬૭ સીટો પર જીત મેળવી હતી જ્યરે ભાજપને ત્રણ સીટો જ મળી હતી.