નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સમાં ૬ મહિનાથી વધુનો વિલંબ

મુંબઈ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જે ૩૭૪ રોડ પ્રોજેક્ટ્સ આપી દીધા છે તે પૈકી ૫૫ ટકા રોડ પ્રોજેક્ટ્સમાં ૬ મહિનાથી વધુ સમયનો વિલંબ થઈ રહ્યો છે.
આ વિલંબમાં પડેલા પ્રોજેક્ટ્સનું મૂલ્ય રૂ.૧ લાખ કરોડનું છે. કેર રેટિંગ્સના રિપોર્ટ અનુસાર જૂન ૨૦૨૩માં સમયમાં વિલંબ ૩૩ ટકા હતો, જે ડિસેમ્બર-૨૦૨૪માં વધીને ૫૫ ટકા થઈ ગયો છે.કેર રેટિંગ્સના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૫થી ૨૦૨૪ દરમિયાન આ રોડ પ્રોજેક્ટ્સ ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત દેશમાં કુલ ૧૬,૦૦૦ કિલોમીટરના રોડનું નિર્માણ થઈ રહ્યું છે. તેની કુલ બિડ પ્રોજેક્ટ કોસ્ટ રૂ.૪.૦૩ લાખ કરોડથી વધારે છે.
સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં સેમ્પલ બીપીસીના ૪૨ ટકા રકમ ફાળવી દેવાઈ છે, જેનું મૂલ્ય રૂ.૧.૬૫ લાખ કરોડ થાય છે. ૪૫ ટકા રકમ (રૂ.૧.૮૦ લાખ કરોડ) કન્સ્ટ્રક્શનના તબક્કામાં છે, અને ૧૩ ટકા રકમ હેઠળનું કામ હજી શરૂ થવાનું બાકી છે.અન્ડર-કન્સ્ટ્રક્શન (નિર્માણાધીન) ૫૫ ટકા પ્રોજેક્ટ્સ કે જેનું મૂલ્ય રૂ.૧ લાખ કરોડ છે તે પ્રોજેક્ટ્સ ૬ મહિનાથી વધુ સમય વિલંબમાં ચાલી રહ્યા છે.
સમય વધે એટલે પ્રોજેક્ટ સંબંધિત જોખમ વધે છે, નિર્માણની ગતિ ધીમી પડે છે અને રોડ ડેવલપર્સ (કંપનીઓ)ની નફાકારકતા પર અસર થાય છે.એજન્સીએ કહ્યું હતું કે પ્રોજેક્ટ વિલંબમાં પડવાના કારણોમાં મુખ્યત્વે રોડ નિર્માણની કામગીરીમાં અડચણો અને વધુ પડતો વરસાદ છે.
ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં રૂ.૪૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ્સ ફાળવાયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે, જેની કામગીરી હજી શરૂ થઈ નથી. જૂન ૨૦૨૩માં આવા રૂ.૧૪,૫૦૦ કરોડના પ્રોજેક્ટ્સ હતા. આવા પ્રોજેક્ટ્સ રદ થઈ જાય તેવી સંભાવના પણ રહે છે.
એજન્સીએ કહ્યું હતું કે પ્રોજેક્ટ શરૂ થવામાં થઈ રહેલા વિલંબના કારણો પૈકી એક કારણ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને હાઈવે પર ફોકસ વધી રહ્યું છે, જેને કારણે જમીન સંપાદનની કામગીરીમાં પડકારો વધ્યા છે. હાઈવે પ્રોજેક્ટ્સમાં સ્પર્ધાત્મકતા વધી છે અને તેને કારણે બિડ પ્રોજેક્ટ કોસ્ટના પ્રીમિયમમાં ઘટાડો થયો છે. છેલ્લાં બે વર્ષથી ડિસ્કાઉન્ટમાં બિડ જતી હોવાનું જોવા મળ્યું છે.
રોડ નિર્માણ કરતી કંપનીઓ માટે પડકારો વધ્યા છે. વધતી સ્પર્ધાને કારણે તેમણે પણ એનએચએઆઈને આકર્ષક ભાવ આપવા પડી રહ્યા છે. આ ઉપરાંત ક્વોલિટી મામલે સરકાર વધુ આકરી બની છે જેને કારણે રોડ બને તેની ગુણવત્તા પણ સારી જાળવવી જરૂરી બની છે.
સરકારે ઈપીસી પ્રોજેક્ટ્સ માટે ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડ પાંચ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરી દીધો છે. જેનો અર્થ એ થાય કે રોડ નિર્માણ પછી ખરાબ થાય તો સમારકામ કરવાની જવાબદારી જે-તે કોન્ટરેક્ટરની પાંચ વર્ષ માટે હતી તે વધારીને ૧૦ વર્ષ કરી દેવામાં આવી છે.SS1MS